ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે. ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. ગુજરાતમાં વડાપ્રધાનના સતત પ્રવાસ શરૂ થઈ ચૂક્યા છે. આ દરમિયાન વધુ એક વખત વડાપ્રધાન ગુજરાતના પ્રવાસે આવશે. 31 ઓક્ટોમ્બરના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવશે.
ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે બે દિવસીય પ્રવાસ પૂરો થયો છે. જેમાં આ પ્રવાસ દરમિયાન તેઓએ રાજકોટ, જુનાગઢ, અમદાવાદ, તાપી, નર્મદા જિલ્લામાં કાર્યક્રમો અને રોડ-શો કર્યાં છે. અને કરોડોના વિકાસકાર્યોની ભેટ પણ આપી છે. ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. અને ચૂંટણીની તારીખ જાહેર થઇ નથી. તેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક ગુજરાતની મુલાકાતે આવશે.
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો કોઈ પણ સમયે જાહેર થઈ શકે છે ત્યારે 31મી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક ગુજરાતની મુલાકાતે આવશે. વડાપ્રધાનની આ મુલાકાત એક દિવસની હશે જેમાં તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી વિકાસ કાર્યોની ભેટ આપશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31મી ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યૂનિટી ખાતે એકતા પરેડમાં હાજર રહેશે.સરદાર પટેલની જન્મ જયંતિના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયામાં નવા પ્રોજેક્ટનું ખામુહૂર્ત અને લોકાર્પણ કરશે. તેમજ પંચમહાલમાં એક કાર્યક્રમમાં હાજરી આપશે. તથા થરાદમાં સિંચાઈ વિભાગના એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
નોંધનીય છે કે ગુજરાતમાં આગામી સમયમાં 182 બેઠકો પર તેમના દ્વારા કાર્યકર્તાઓને માર્ગદર્શન આપતો સંવાદ પણ પ્લાન થઈ ગયો છે. આગામી 1 નવેમ્બરે તેઓ 182 વિધાનસભા બેઠકો પર રહેલા પેજ સમિતિના કાર્યકરો અને નેતાઓ મળી કુલ દોઢેક કરોડ કાર્યકરોને તેઓ સંબોધિત કરવાના છે.
પ્રધાનમંત્રીના ગુજરાતના સતત પ્રવાસને કારણે વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીની પકડ મજબૂત બનતી હોય તેમ લાગી રહ્યું છે. દિવાળી પછી ગુજરાતમાં ઇલેક્શનનો રંગ વધૂ ઘેરો બનવાના એંધાણ છે.