જગદીશ ઠક્કર જેમણે ગુજરાતમાં ઘણાં મુખ્ય મંત્રીઓનાં પબ્લિક રિલેશન ઓફિસર (PRO) તરીકે કામ કર્યું હતું. તેમનું 72 વર્ષની ઉમરે નિધન થયું છે. તેઓ વડાપ્રધાનની ઓફિસમાં નરેન્દ્ર મોદીની નીચે પણ પબ્લિક રિલેશન ઓફિસર તરીકે કામ કરતાં હતા.
નરેન્દ્ર મોદીએ એમનાં મૃત્યુ પર દુઃખ જતાવ્યું હતું. મોદીએ જણાવ્યું કે, ‘ગુજરાતમાં અને દિલ્લીમાં બંને જગ્યાએ એમની સાથે કામ કરવાનો આનંદ છે. તેઓ એમની સાદગી અને સ્વભાવ માટે જાણીતાં હતા.’
મોદી જગદીશ ઠક્કરનાં પરિવારને મળ્યાં હતા. મોદીએ એમનાં પરિવારને દિલાસો આપ્યો હતો.
જગદીશ ઠક્કર આ વર્ષનાં સપ્ટેમ્બર મહિનાથી દિલ્લીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ હતા.
ભાવનગરના લોકરાજ અખબારથી કારકિર્દી શરૂ કરી
જગદીશ ઠક્કર 28 ફેબ્રુઆરી, 1946 માં જન્મ્યા હતા. તેઓએ તેમના કરિયરની શરૂઆત ભાવનગરથી પ્રસિદ્ધ થતાં લોકરાજ ન્યૂઝ પેપર સાથે શરુ કરી હતી. તેઓ પત્રકાર તરીકે જોડાયા હતા. આ પછી તેઓ ૧૯૬૨માં માહિતી ખાતામાં જોડાયા હતા. મુખ્ય મંત્રી ઓફિસમાં તેઓને લાવનાર હતા તત્કાલિન મુખ્ય મંત્રી અમરસિંહ ચૌધરી હતા. અમરસિંહ ચૌધરીએ ૧૯૮૬માં જગદીશભાઈને પોતાના મુખ્યમંત્રી કાર્યાલયમાં પીઆરઓ તરીકે લઇ આવ્યા હતા.
ક્યાં ક્યાં મુખ્યમંત્રી સાથે કામ કર્યું
આ પછી મુખ્યમંત્રીઓ બદલાતા રહ્યા પરંતુ પીઆરઓ તરીકે જગદીશભાઈ યથાવત રહ્યા હતા. તેઓએ ગુજરાતનાં મુખ્ય મંત્રી અમરસિંહ ચૌધરી, માધવસિંહ સોલંકી, ચીમનભાઈ પટેલ, છબીલદાસ મહેતા, કેશુભાઈ પટેલ, સુરેશ મહેતા, શંકરસિંહ વાઘેલા, દિલીપ પરીખ, નરેન્દ્ર મોદી માટે પબ્લિક રિલેશન ઓફિસર તરીકે કામ કર્યું હતું 2014 સુધી તેઓએ ચીફ મિનિસ્ટર ઓફિસ (CMO) માં કામ કર્યું હતું.
મોદીએ નિવૃત્તિ બાદ તેમને એક્સ્ટેન્શન આપ્યું હતું
58 વર્ષની ઉમરે તેઓ 2004 માં રિટાયર થયા હતા. પરંતુ ત્યારે તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમનો કાર્યકાળ લંબાવી દીધો હતો. વર્ષ ૨૦૧૪માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારે તેઓ જગદીશભાઈને પોતાની સાથે દિલ્હી લઈ ગયા હતા. જ્યાં તેઓને PMO માં પબ્લિક રિલેશન ઓફિસર તરીકે લઇ ગયાં હતા.
વડાપ્રધાનના પીઆરઓ તરીકે પ્રથમ ગુજરાતી
નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનીને તેઓ દિલ્હી ગયા હતા ત્યારે તેઓ તેમની પસંદગીના કેટલાક અધિકારીઓને સાથે દિલ્હી લઇ ગયા હતા. જેમાં જગદીશભાઈ ઠક્કરનું નામ સૌથી મોખરે હતું.