આજનાં સમયમાં શિક્ષણની સાથોસાથ રમતગમતનું મહત્વ વધ્યું છે. વિવિધ રમતગમત દ્વારા તન-મનની તંદુરસ્તી તો પ્રાપ્ત કરી જ શકાય છે એ સાથે આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવી ધન પણ કમાઈ શકાય છે. વિશ્વભરમાં અલગ-અલગ પ્રકારની રમતગમતનું મહત્વ સમજીને તેના ખેલાડીઓને પ્રોત્સાહન આપવાની કામગીરી થઈ રહી છે ત્યારે ખેલ મહાકુંભથી લઈ ખેલે ગુજરાત અને ખેલે ઇન્ડિયા મિશન સુધી રાજ્યનાં ખેલાડીઓને જરૂરી સુવિધા અને પ્રોત્સહન આપવા સરકાર કટિબદ્ધ છે.
નાનામાં નાના કુટુંબમાંથી આવતી ગુજરાતની છેવાડાની પ્રતિભાને પણ યોગ્ય પ્લેટફોર્મ મળી રહે અને આવશ્યક ટ્રેનીંગનાં અભાવે કોઈ પ્રતિભા પાછળ રહી ન જાય તે માટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત પ્રયત્નશીલ છે. સરકાર દ્વારા ખેલાડીઓ માટે પ્રોત્સાહક યોજનાઓ અને નીચે મુજબ શિષ્યવૃત્તિ જાહેર કરવામાં આવી છે
ઈન સ્કૂલ — જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ નિયત સ્કૂલમાં 30 બાળકોને ખાસ ટ્રેઈનર દ્વારા તાલીમ તેમજ જરૂરી કીટ, શૂઝ, ટ્રેક, સાધનો અને જરૂરી ઈન્ફાસ્ટ્રકટર તૈયાર કરી આપવામાં આવે છે. રાજકોટ શહેરમાં એ.વી. જસાણી, ક્રિષ્ના, વિનોબા ભાવે તેમજ સરસ્વતી શિશુ મંદિર ખાતે આ યોજના કાર્યરત.
શક્તિદૂત — આંતરરાષ્ટ્રીય કક્ષાની તાલીમ માટે રૂ. 2 લાખથી 20 લાખ સુધી ઉપલબ્ધ. રાજકોટના સ્વિમર યુવરાજ પટેલને રૂ. 3 લાખની સહાય તેમજ એથ્લેટિકસ શ્રધ્ધા કથેરીયાને રૂ. 3.50 લાખની સહાય પ્રાપ્ત થઈ છે.
ખેલે ગુજરાત — ખેલ મહાકુંભનાં પ્રતિભાવાન ખેલાડીઓને ખેલે ગુજરાત સમર કેમ્પમાં નિ:શુલ્ક સઘન તાલીમ પૂરી પાડવામાં આવે છે.
ખેલે ઈન્ડિયા — ખેલે ગુજરાતનાં પ્રથમ ત્રણ ખેલાડીઓ નેશનલ કક્ષાએ રમે છે તેમાંથી ટોચના ખેલાડીઓ પસંદગી પામી નેશનલ સ્પોર્ટ્સ એકેડમી ખાતે તાલીમ મેળવે છે. ગુજરાતમાં નડિયાદ ખાતે જુડો અને ભાવનગર ખાતે ટેબલ ટેનિસની નેશનલ એકેડમી ઉપલબ્ધ છે.
સેન્ટર ઓફ એક્સલન્સ — ખેલે ગુજરાત સમર કેમ્પમાં પ્રતિભાવાન ખેલાડીઓને 10 મહિના સુધી નિ:શુલ્ક તાલીમ આપવામાં આવે છે. રાજકોટ ખાતે 102 ખેલાડીઓ જુદીજુદી ગેમમાં ખાસ તાલીમ મેળવી રહ્યા છે.
મહિલા સ્કોલરશીપ — ખેલ મહાકુંભ તેમજ શાળાકીય રમતોમાં અન્ડર 14, અન્ડર 17 મજ અન્ડર 19માં પ્રથમ ક્રમે રૂ. 800, દ્વિતીય ક્રમે રૂ. 600 તેમજ તૃતીય ક્રમે વિજેતાને રૂ. 400 શિષ્યવૃત્તિ મળે છે.
ખેલ મહાકુંભ સ્પર્ધા — આ ઉપરાંત ખેલ મહાકુંભ સ્પર્ધામાં અન્ડર 9 અને અન્ડર 11 કક્ષામાં વિજેતાઓ અને ખાસ 8 પ્રકારની ટેસ્ટ દ્વારા યંગ ટેલેન્ટ બાળકો પસંદ કરી તેમને ડીસ્ટ્રીક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ ખાતે નિ:શુલ્ક વિવિધ રમતગમતની સઘન તાલીમ તેમજ તે જ સ્કૂલમાં અભ્યાસ પી.પી.પી. ધોરણે કરાવવામાં આવે છે. તેમનું લોજિંગ, બોર્ડિંગ, કીટ, ડ્રેસ, રમતના સાધનો સહિતની તમામ જવાબદારી, સ્ટાઈપેન્ડ તેમજ વીમો સરકાર દ્વારા આપવામાં આવે છે.
ગુજરાતમાં હાલ આવી 36 સ્કૂલ છે જેમાં 15000થી વધુ ખેલાડીઓ સાયન્ટીફીક તાલીમ સાથે અભ્યાસ મેળવી રહ્યા છે. સરકારની રમતગમત અને તેમના ખેલાડીઓને પ્રોત્સાહન આપવાની વિવિધ નીતિઓનાં પરિણામ સ્વરૂપ આવનારો સમય ગુજરાતી ખેલાડીઓનો હશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.