Bhagwant Mann Marriage: પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન બીજા લગ્ન કરવાના છે. 6 વર્ષ પહેલા તેમના છૂટાછેડા બાદ પ્રથમ પત્ની અને બાળકો અમેરિકામાં રહે છે. જો કે બંને બાળકો તેમના શપથ ગ્રહણ સમારોહમાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ માતા અને બહેને સીએમ માન માટે છોકરીની પસંદગી કરી છે. સીએમ ભગવંત માનના લગ્ન ડોક્ટર ગુરપ્રીત કૌર સાથે થશે. લગ્નમાં પરિવારના સભ્યો જ સામેલ થશે. અરવિંદ કેજરીવાલ પણ આ બંનેને આશીર્વાદ આપવા આવશે.
ભગવંત માન પોતે જણાવ્યું હતુ કે રાજકારણમાં આવવાથી ઘણું બધું ગુમાવવું પડ્યું. ભગવંત માનના 2015માં જ તેમની પત્નીથી છૂટાછેડા થઈ ગયા હતા. તેમના બાળકો પણ હવે તેમની સાથે વાત કરતા નથી. એક ઈન્ટરવ્યુમાં ભગવંત માને પોતે કહ્યું હતું કે, ‘હું હવે મારા બાળકો સાથે ફોન પર વાત પણ નથી કરતો. કદાચ હું મારા પરિવારને સમય ન આપી શક્યો, જેના કારણે મારે મારી પત્નીથી દૂર રહેવું પડ્યું. અમે પરસ્પર સંમતિથી છૂટાછેડા લીધા હતા. આ જ ઈન્ટરવ્યુમાં ભગવંત માને વધુમાં જણાવ્યું હતું કે ઘણા વર્ષોથી તેઓ તેમના બાળકો અને પત્ની સાથે ફોન પર પણ વાત કરતા નથી.
તમને જણાવી દઈએ કે, ભગવંત માનનો જન્મ 17 ઓક્ટોબર 1973ના રોજ પંજાબના સંગરુર જિલ્લાના સતોજ ગામમાં થયો હતો. તેમની પ્રથમ પત્નીનું નામ ઈન્દ્રપ્રીત કૌર છે. આ વર્ષ 2015ની વાત છે, જ્યારે ભગવંત માન અને તેમની પત્ની ઈન્દ્રપ્રીત કૌરના છૂટાછેડા થયા હતા. છૂટાછેડા પછી તેની પત્ની અને બાળકો દેશ છોડીને ચાલ્યા ગયા હતા. પંજાબના સીએમને તેમની પ્રથમ પત્નીથી બે બાળકો છે. એક પુત્ર અને એક પુત્રી, પુત્રનું નામ દિલશાન માન અને પુત્રીનું નામ સીરત કૌર માન છે.
ભગવંત માન એક સમયે દેશના જાણીતા હાસ્ય કલાકાર હતા. તેમણે શોમાં ભાગ લીધો અને ઘણું નામ કમાવ્યું. કહેવાય છે કે 1990ના દાયકામાં ભગવંત માન અને જગતાર જગ્ગીએ કોમેડી જોડી તરીકે પોતાની ઓળખ બનાવી હતી. તેમણે 12 થી વધુ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. આ પછી તેમણે રાજકારણમાં પોતાનું નસીબ અજમાવવાનું નક્કી કર્યું અને તે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા.
વર્ષ 2014 માં, તેઓ આમ આદમી પાર્ટીની ટિકિટ પર સંગરુર લોકસભા મતવિસ્તારથી ચૂંટણી લડ્યા અને જીત્યા. આ પછી 2019 માં પણ જીતનો સિલસિલો ચાલુ રહ્યો. આ પછી અરવિંદ કેજરીવાલે તેમને પંજાબના સીએમ પદના ઉમેદવાર જાહેર કર્યા. ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને પ્રચંડ જીત મળી છે.
આ પણ વાંચો: patna/ લાલુ પ્રસાદ યાદવની તબિયત પહેલા કરતા સારી, દિલ્હી ખસેડવાની તૈયારીઓ