ગુજરાતની વિધાનસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તમામ પાર્ટીના દિગ્ગજ નેતાઓ રાજ્યની મુલાકાતે આવી રહ્યા છે.કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાત આવી રહ્યા છે,કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પાંચમી સપ્ટેમ્બરે અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે સોમવારના રોજ અમદાવાદના રિવરફ્રન્ટ પર યોજાનાર કાર્યક્રમમાં તેઓ જન સભાને સંબોધન કરશે. ઉપરાંત પ્રભારી સહિતના પ્રદેશ નેતાઓ સાથે બેઠક યોજીને રાજકીય પરીસ્થિતિની સમીક્ષા કરશે.ચૂંટણીનું રણશીંગું ફુકશે.
ગુજરાત સંગઠન પ્રભારી અને રાજસ્થાનના પૂર્વ આરોગ્યમંત્રી ડૉ. રઘુ શર્માજીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય નેતૃત્વ આદરણીય રાહુલ ગાંધીજી તા. 5મી સપ્ટેમ્બરના રોજ સવારે 11-00 કલાકે ‘પરિવર્તન સંકલ્પ બુથ સ્તરીય સંમેલન’માં બુથના કાર્યકરોને સંબોધન કરશે ત્યારબાદ બપોરે 2-30 કલાકે પૂ. મહાત્મા ગાંધીજીના સાબરમતી આશ્રમ ખાતે પ્રાર્થના સભામાં જોડાશે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આયોજીત ઐતિહાસીક ‘ભારત જોડો પદયાત્રા’ પહેલા આદરણીયશ્રી રાહુલ ગાંધીજી પૂ. મહાત્મા ગાંધી – સરદાર સાહેબની ધરતી ગુજરાત આવશે અને પૂજ્ય મહાત્મા ગાંધીના આશીર્વાદ મેળવશે.
ગુજરાતમાં કોંગ્રેસ 125 બેઠકોનો લક્ષ્યાંક પ્રાપ્ત કરશે. 52 હજાર બુથના યોદ્ધાઓ ગુજરાત ચૂંટણી માટે તૈયાર છે. ડ્રગ, દારૂના નશામાંથી ગુજરાત મુક્ત થાય, મહિલાઓ ઉપર થતાં અત્યાચાર, વારંવાર પેપર ફૂટવાની ઘટનાઓમાંથી મુક્ત થવા પરિવર્તન માટેનો સંકલ્પ કરશે. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ ગમે એટલીવાર આવે ગુજરાત પરંતુ મુકાબલો તો ભાજપ-કોંગ્રેસ વચ્ચે જ રહેશે, ગુજરાતની ચૂંટણી બાદ AAP ગુજરાતમાંથી ખોવાઈ જશે, જેમ ગોવા, ઉત્તરાખંડ, બંગાળમાંથી ચૂંટણી બાદ ખોવાઈ ગયા હતા.