Gandhinagar News: ગુજરાતમાં આજે (24 જુલાઈ) વરસાદના આંકડા મુજબ છેલ્લા બે કલાકમાં 123 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ ભરૂચના જુકણીયા તાલુકામાં નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 206 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ 11.5 ઈંચ વરસાદ પલસાણામાં અને 10 ઈંચ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, કચ્છ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ અને અન્ય વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.
સુરતમાં અવિરત વરસાદ
સુરત જિલ્લામાં અવિરત ધોધમાર વરસાદ વરસ્યો છે. બારડોલી નગરમાં જનજીવન પ્રભાવિત થયું છે. સુરતમાં ભારે વરસાદે તારાજી સર્જી છે. સળંગ ચોથા દિવસે ભારે વરસાદ પડતા શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ફાયર બ્રિગેડ અને એનડીઆરએફ ખડેપગે છે અને પાણીમાં ફસાયેલા લોકોને બચાવી રહ્યું છે. હાઇવે પર ખાડીમાં આવેલા પૂરના પાણી ભરાયા છે. હાઇવેની બંને તરફ પામી ભરાતા વાહનચાલકોને હાલાકી થઈ છે. શ્રી રેસિડેન્સી માનસરોવરમાં પામી ભરાયા છે. સુરતના માંગરોળમાં 15 લોકોનું રેસ્ક્યુ કરાયું છે. વાંકલ ગામે એનડીઆરએફની ટીમે રેસક્યુ કર્યુ છે. ભૂખી નદીના કિનારે અનેક ઘરોમાં પાણી ભરાયા છે. પાણી ભરાતા અનેક લકો ફસાયા તા. માંગરોળ તાલુકામાં ભારે વરસાદના પગલે અનેક ઘરોમાં પાણી ભરાયા છે. સુરતમાં સળંગ ત્રીજા દિવસે ભારે વરસાદ જારી રહેતા સ્કૂલોમાં રજા આપી દેવાઈ છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં ભારે વરસાદ પડ્યો છે. ઓલપાડમાં પણ 44 મીમી વરસાદ પડયો છે.
બોરસદ અને ભરૂચમાં ચાર-ચાર ઇંચ અને નર્મદા-હાસોટમાં ત્રણ-ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે. આમ ગુજરાતમાં સાર્વત્રિક ચોમાસુ જોવા મળ્યું છે. રાજ્યમાં સીઝનનો 48.62 ટકા વરસાદ વરસી ગયો છે. આમ છતાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની ઘટ છે, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં સીઝનની સરેરાશ કરતાં પણ વધુ વરસાદ વરસ્યો છે.
દ્વારકામાં સીઝનનો 71 ટકા વરસાદ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકામાં મંગળવારે (23 જુલાઈ) બપોરે 12 વાગ્યાથી સાંજના 4 વાગ્યાની વચ્ચે 4.4 ઈંચ વરસાદ નોંધાયો હતો. 16મી જુલાઈ સુધી દેવભૂમિ દ્વારકામાં 17.42 ઈંચ સાથે મોસમનો 57.58 ટકા વરસાદ નોંધાયો છે. આમ, દેવભૂમિ દ્વારકામાં માત્ર એક સપ્તાહમાં 32 ઈંચ સાથે સિઝનનો 71 ટકા વરસાદ પડી ગયો છે. જેના પરથી દ્વારકામાં વરસાદનો અંદાજ લગાવી શકાય છે. આ ઉપરાંત મંગળવારે કચ્છના માંડવીમાં બે કલાકમાં 2.5 ઈંચ સહિત 6 ઈંચ વરસાદ નોંધાયો હતો. અન્યત્ર જે 3.50 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે તેમાં જામનગરના જોડિયા, કચ્છના નખત્રાણા-મુન્દ્રા-રાપર, સુરતમાં પલસાણા, નવસારીમાં ખેરગામ, તાપીમાં ડોલવણ અને અમદાવાદના ધોળકાનો સમાવેશ થાય છે.
દ્વારકામાં NDRF દ્વારા 15 લોકોને બચાવવામાં આવ્યા હતા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત વરસાદને કારણે અનેક જગ્યાએ પૂરની પરિસ્થિતિમાં ફસાયેલા લોકોને બચાવવા માટે રાજ્ય સરકાર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં મંગળવારે દ્વારકા જિલ્લાના ગઢેચી ગામમાંથી 15 લોકોને સફળતાપૂર્વક બચાવી લેવાયા હતા.
ડોસવાડા ડેમ ભરાયો
ભરૂચ ઉપરાંત તાપી જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને કારણે સોનગઢ તાલુકાનો ડોસવાડા ડેમ સંપૂર્ણ રીતે ભરાઈ ગયો છે. ડેમ સંપૂર્ણ ભરાતા તંત્ર દ્વારા 15થી વધુ નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે. હવામાન વિભાગે આવતીકાલે (25 જુલાઈ) ઘણા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં વલસાડ અમરેલી, ભાવનગર અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે.