હાલમાં ગુજરાત રાજ્ય માં કોરોના ની બીજી લહેર તરખાટ મચાવી રહી છે. ત્યારે વચ્ચે માવઠાએ મહેર દીધી છે. ગુજરાતના સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તો ક્યાંક કરા પણ પડી રહ્યા છે. આજે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અમરેલી રાજકોટ, જામનગર અને આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો.
વરસાદી માહોલ વચ્ચે ઠંડા પવન અને વરસાદને લઇ લોકોએ ગરમીમાંથી રાહત મેળવી હતી પરંતુ ધરતીપુત્ર ખેડૂત આ કમોસમી વરસાદથી ચિંતિત બન્યો છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોએ પોતાના પશુઓ માટે રાખેલ ઘાસચારો આવી જવાથી ચિંતામાં મુકાયા છે.
સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં છેલ્લા કેટલાય દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે અમરેલી જિલ્લા માં ધારી વિરપુર સહિત આસપાસના ગામોમાં વરસાદી ઝાપટુ પડતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી.
રાજકોટ ખાતે પણ બપોર બાદ પવન સાથે વરસાદનું ઝાપટું તૂટી પડયું હતું. સૌરાષ્ટ્રના વાતાવરણમાં છેલ્લા એક અઠવાડિયાથી પલ્ટો જોવા મળી રહ્યો છે. તેમજ અલગ અલગ વિસ્તારોમાં વરસાદના હળવાથી ભારે ઝાપટા પડી રહ્યા છે. હવામાન વિભાગે પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પવન સાથે વરસાદની આગાહી કરી છે.
જામનગર જિલ્લાના વાતાવરણમાં પણ બપોર બાદ ચૈત્ર માસમાં અષાઢી માહોલ જામ્યો હતો. જામનગર નજીક આવેલ મતવા અને માટલી ગામમાં બરફના કરા સાથે વરસાદી ઝાપટું પડયું હતું. ચૈત્ર માસમાં અષાઢી માહોલ જામતા જગતનો તાત ચિંતિત બન્યો છે.
જામનગરના કાલાવડ પંથકમાં અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભર ઉનાળે વરસાદ પડ્યો છે જેને કારણે ઉનાળુ પાક નિષ્ફળ જવાની ભીતિ પણ ખેડૂતોને સતાવી રહી છે.