Ahmedabad News: ગુજરાતનાં ચાર મહાનગરોમાં વરસાદી માહોલ જામ્યો છે. વરસાદ માટે તરસતા અમદાવાદની તરસ હવે રહીરહીને બૂઝાઈ રહી છે. મહિનો પૂરો થવા આવતા જાણે મેઘરાજા મહિનાનું સરવૈયુ પૂરું કરતાં હોય તેમ અમદાવાદમાં વરસી રહ્યા છે.
અમદાવાદમાં સવારથી કાળાં ડિબાંગ વાદળોથી અંધારપટ છવાયો છે. વહેલી સવારથી મેઘરાજા આખા શહેર પર મહેરબાન થયા છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ પડ્યો હતો. જોધપુર અને બોડકદેવમાં દોઢ ઈંચ ખાબક્યો વરસાદ ખાબક્યો છે.
સરસપુર અને ચાંદલોડિયામાં ટ્રાફિકજામ થતા 4 એમ્બ્યુલન્સ ફસાઈ હતી. આથી નોકરી-ધંધે જતા લોકો અને સ્કૂલ-કોલેજ જતા વિદ્યાર્થીઓ પરેશાન થયા હતા. વાસણા બેરેજ ડેમના ગેટ નંબર 24 અને 25 ખોલવામાં આવ્યા છે. હાલ લેવલ 131.50 ફૂટ છે. 129 કરવા માટે સૂચના આપવામાં આવી છે.
વરસાદને કારણે અમદાવાદમાં રિવરફ્રન્ટ પૂર્વ તરફથી સુભાષ બ્રિજ જતા રસ્તા પર ત્રણ કાર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં એક કારચાલકે અન્ય કારચાલકની ગાડીની ચાવી અને મોબાઈલ ઝૂંટવી લેતા બન્ને વચ્ચે કારની ડ્રાઈવિંગ સીટ પર ઝપાઝપી થઈ હતી. અકસ્માતને કારણે રિવરફ્રન્ટ પર એક કિમીનો લાંબો ટ્રાફિકજામ થયો હતો.
અમદાવાદમાં 20 મિનિટ સુધી ધોધમાર વરસાદ વરસતા સત્યાગ્રહ છાવણી પાસે વરસાદી પાણી ભરાયા છે. થલતેજ વિસ્તારમાં રોડ પર ઘૂંટણસમા પાણી ભરાયા છે. આથી અનેક વાહનો બંધ થયા છે. લોકોના વાહનોમાં મોટુ નુકસાન પહોંચ્યું છે. વેજલપુરના સોનલ સિનેમા રોડ પર પાણી ભરાયા છે. થોડા વરસાદમાં જ વેજલપુરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. વર્ષોથી આ વિસ્તારમાં પાણી ભરાતા હોવા છતાં કોઈ સમાધાન નહીં. મનપાની વરસાદી પાણી નિકાલની વ્યવસ્થાની પોલ ખુલી ગઈ છે. પાલડી જલારામ અંડરબ્રિજમાં પાણી ભરાયા છે.
મકરબા પોલીસ હેડ ક્વાર્ટર પાસે પાણી ભરાયા છે. પાણી ભરવાના કારણે રસ્તો બંધ કરવો પડ્યો છે. ગટરના પાણી બેક મારતા રસ્તા પર ડ્રેનેજના પાણી ફરી વળ્યા છે. જ્યારે વડોદરામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. 24 જુલાઈના રોજ પડેલા 14 ઈંચ વરસાદથી પૂરમાંથી હજુ માંડ બહાર આવ્યા છે ત્યારે આજે ફરી ધોધમાર વરસાદ પડી રહ્યો હોવાથી લોકો ફરી ચિંતામાં મુકાયા છે. જ્યારે સુરત અને રાજકોટમાં વરસાદી માહોલ જામ્યો છે.
ચામુંડા બ્રિજથી સરસપુર જવાના રસ્તે ઢીંચણ સુધીનાં પાણી ભરાતાં ખૂબ જ ટ્રાફિકજામ થયો છે. ચારે તરફથી રસ્તા પર આવતાં વાહનો ટ્રાફિકમાં ફસાયાં છે. રસ્તા પર એમબ્યુલન્સ પણ ટ્રાફિકમાં ફસાઈ હતી. અનેક વાહનો પાણીના કારણે બંધ થયાં છે. ટ્રાફિક પોલીસના માત્ર બે જવાન દ્વારા ટ્રાફિક નિયમન કરાવવામાં આવી રહ્યો છે. જેથી સ્થાનિકોની મદદ લેવી પડી રહી છે. રસ્તાની ચારે બાજુ 300થી 500 મીટર સુધીનો ટ્રાફિકજામ છે. આથી ચાર એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાઈ છે.
વરસાદ બંધ થયો છતાં મેઘાણીનગર વિસ્તારમાં પાણી ભરાયાં છે. ગાંધીની ચાલીથી ચમનપુરા તરફ જતા રસ્તા ઉપર પાણી ભરાતાં નાગરિકો હેરાન થયા છે. કેટલાક લોકોનાં વાહનો બંધ થયાં તો સ્કૂલેથી આવતાં બાળકો પણ વરસાદના પાણીના કારણે હેરાન થયાં છે.
શહેરના પશ્ચિમ વિસ્તારમાં વાડજ સર્કલ પાસે વરસાદી પાણી ભરાયાં છે. જેના કારણે ટ્રાફિકજામની પરિસ્થિતિ સર્જાઈ છે. વરસાદી પાણીમાં વાહનચાલકો ધીમે ધીમે વાહનો ચલાવી રહ્યા છે. વાડજ સર્કલ પાસે સવારથી ટ્રાફિકની પરિસ્થિતિ જોવા મળે છે.
શહેરીજનોને વરસાદી પાણી ભરાવવાની સમસ્યા ઊભી ન થાય તેના માટે વ્હાઈટ ટોપિંગ રોડ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. શહેરના પશ્ચિમ વિસ્તારમાં જોધપુર વિસ્તારમાં બનાવેલા વાઈટ ટોપિંગ રોડની આસપાસની સોસાયટીઓમાં માત્ર એક ઈંચ વરસાદમાં પાણી ભરાઈ ગયાં હતાં. જોધપુર વિસ્તારમાં આવેલા તેજધારા બંગલો સોસાયટીમાં પાણી ભરાઈ ગયાં હતાં. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને ભાજપના કોર્પોરેટરો દ્વારા જોધપુર વિસ્તારમાં વ્હાઈટ ટોપિંગ રોડની આસપાસ સોસાયટીઓમાં પાણી ન ભરાતાં હોવાના દાવા કરવામાં આવ્યા હતા. પરંતુ વ્હાઈટ ટોપિંગ રોડના કારણે આસપાસની સોસાયટીઓ પાણી-પાણી થઈ ગઈ છે.
જોધપુર રાહુલ ટાવરથી પ્રેરણાતીર્થ દેરાસર થઈ ઓમકારેશ્વર મહાદેવથી શ્યામલ સૈનિક પેટ્રોલ પંપ સુધી વ્હાઈટ ટોપિંગ રોડ બનાવ્યો છે. આ રોડ પર કેટલાંક સ્થળોએ વરસાદી પાણી ભરાયાં છે. થોડા દિવસ પહેલાં જોધપુર વિસ્તારમાં પાંચ ઇંચ જેટલા વરસાદમાં એક પણ જગ્યાએ વરસાદી પાણી ભરાયું હોવાની ફરિયાદ આવી નથી તેઓ દાવો કરવામાં આવ્યો હતો અને કોર્પોરેશનના રોડ પ્રોજેક્ટ વિભાગે સાંજે 7 વાગ્યા પછીના ફોટો જાહેર કર્યા હતા. જો કે, આદ્યશક્તિ સોસાયટીની આસપાસ પાણી ભરાયાં હતાં.
આ પણ વાંચો:વડોદરામાં વીમા કંપનીની ઓફિસના એસીમાં બ્લાસ્ટ થતાં અફડાતફડી
આ પણ વાંચો:ભારે વરસાદથી ગુજરાતના ૪૫ જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ
આ પણ વાંચો:અમદાવાદમાં વહેલી સવારથી જ મેઘરાજા થયા અતિ મહેરબાન