રાજકોટ મ્યુનિસીપાલિટી કમીશનર બંછાનીધિપાનીએ રાજકોટ શહેરના પર્યાવરણ અર્થે એક મહત્વનો અને લાભદાયક નિર્ણય લીધો છે.
રાજકોટ મ્યુનિસીપાલિટી કમીશનર બંછાનીધિપાનીએ ધ બોમ્બે પ્રોવિન્સીયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ ૧૯૪૯ કલમ ૩૭૬ ‘એ’ અંતર્ગત્ત રાજકોટ શહેરનાં જાહેર માર્ગો, મહાનગરપાલિકાઓ, ગાર્ડન તથા સરકારી કાર્યાલયોમાં પ્લાસ્ટિકની કોથળીમાં વહેચવામાં આવતા પાણીના પાઉચના વપરાશ પર પ્રતિબંધ મુક્યો છે.
આ આદેશ હેઠળ મ્યુનિસીપાલિટી કમીશનર દ્વારા ટૂંક સમયમાં જાહેરનામું પણ બહાર પાડવામાં આવશે.
આપને જણાવી દઈએ કે વિશ્વ પર્યાવરણ દિન અંતર્ગત “બીટ પ્લાસ્ટિક પોલ્યુશન” થીમ જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત આ કાર્યો કરવામાં આવી રહ્યા છે. આ પ્રતિબંધ ૫ જુનથી લાગુ કરવામાં આવશે.
દિનચર્યા અનુસાર આપણે જાણીએ છીએ કે રોજબરોજના ઉપયોગમાં આપણે ખુબ મોટા પ્રમાણમાં પ્લાસ્ટીકનો ઉપાયોગ કરીએ છીએ, આ જ પરિસ્થિતિ પાણીના પાઉચ સાથે પણ છે. લોકો પાણીના પાઉચ ઉપયોગ તો કરે છે પરંતુ ઉપયોગ કર્યા બાદ ગમે તે જગ્યાએ તેને ફેંકી દેતા હોય છે. આમ જ પ્રાણીઓ આ પાઉચ ખાઈ અને પોતાના જીવનને અજાણ્યે ટૂંકાવી દેતા હોય છે. આવા પાઉચ પાણીની લાઈનમાં ફસાઈ જતા હોય છે જેના કારણે પાણીનો સુનિયોજિત નિકાલ અટકી જતો હોય છે.
આથી રાજકોટ મ્યુનિસીપાલિટી કમીશનર દ્વારા લેવામાં આવેલો નિર્ણય લોકોને અને પર્યાવરણને ખુબ કામ લાગશે. હવે જોવાનું એ રહેશે કે પર્યાવારણની સુરક્ષા અર્થે આવા પગલાઓ ગુજરાત અને ભારતમાં ક્યારે લેવાશે.