Rajkot News: રાજકોટ મનપાની (RMC) સ્ટેન્ડિંગ કમિટીની આજે બેઠક છે. આ બેઠકમાં 45 દરખાસ્તો અંગે નિર્ણય લેવાશે. સિંહ સફારી પાર્ક (Lion Safari Park) માટે 16 કરોડના ખર્ચની દરખાસ્ત છે. મિયાવાકી પદ્ધતિ દ્વારા 1.6 લાખ વૃક્ષો વાવવામાં આવશે. નવી છ આંગણવાડી માટે પણ સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત મૂકાઈ છે. નવી છ આંગણવાડી માટે પણ સ્ટેન્ડિંગમાં દરખાસ્ત મૂકવામાં આવી છે. આ પહેલા ગયા મહિને કમિટીના ચેરમેન જયમીન ઠાકરની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. બેઠકમાં વિકાસકામોની 38 કરોડથી વધુની જુદી-જુદી 44 દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી છે. મનપા દ્વારા ફાયર વિભાગમાં નવી ભરતીને લઈ મંજુરી આપવામાં આવી હતી.
રાજકોટ કોર્પોરેશનની બેઠક અંગે સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે કહ્યું હતું કે, કમિટીની બેઠકમાં રોડ-રસ્તા સહિતના વિકાસ કામોની 46 દરખાસ્ત મળી હતી, જેમાંથી 44 દરખાસ્તો મંજુર કરવામાં આવી છે. જેમાં રોડ-રસ્તા, ડ્રેનેજ, ભરતી, નવા વિકાસ કામો સહિત કુલ 38 કરોડથી વધુના કામો મંજુર કરવામાં આવ્યા છે. ફક્ત એક દરખાસ્તમાં અમુક વિસંગતતાઓને કારણે પેન્ડિંગ રાખવામાં આવી છે અને અન્ય 1 કાર્યક્રમ માટે રેસકોર્સ ગ્રાઉન્ડ આપવાની દરખાસ્ત હતી. તેમણે કહ્યું કે, ફાયર વિભાગમાં હાલ 268 જેટલા કર્મચારીઓ અને અધિકારીઓ છે. હવે 428 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓનો ઉમેરો કરવાની દરખાસ્તને લીલીઝંડી આપવામાં આવી છે. જે પછી કુલ 696 જેટલા કર્મચારીઓનું મહેકમ થઈ જશેે. ઉપરાંત હાલમાં કાર્યરત ફાયર સ્ટેશન્સ સાથે સાથે ભવિષ્યમાં શરૂ થનારા ફાયર સ્ટેશનમાં તેઓનો સમાવેશ કરાશે. નાગરિકોને ઓછામાં ઓછા સમયમાં મદદ પહોંચે તે માટે વધારાનું મહેકમ મંજૂર કરાયું છે.
તેમણે ઉમેર્યું કે, હાઇકોર્ટ અને સરકારના માર્ગદર્શન પ્રમાણે આખા રાજ્યમાં ફાયર વિભાગનું નવું સેટઅપ બનવા જઈ રહ્યું છે. તે અંતર્ગત પ્રતિ 1 લાખની વસ્તીએ 1 ફાયર સ્ટેશનની જરૂર પડશેે. હાલ રાજકોટમાં 7 ફાયર સ્ટેશન અને એક કવિક રિસ્પોન્સ સેન્ટર મળીને કુલ 8 ફાયર સ્ટેશન કાર્યરત છે. રાજકોટ કોર્પોરેશને ભવિષ્યમાં હજુ 12 જેટલા નવા ફાયર સ્ટેશન ઊભા કરવાના થશે. પ્રિન્સિપલ સેક્રેટરી અશ્વિનીકુમારના દરેક કોર્પોરેશનને અપાયેલા માર્ગદર્શન મુજબ રાજકોટમાં પણ નવી ફાયર પ્રિવેન્સન વીંગ ઊભી કરવા ભલામણ કરાઈ છે.
સ્ટેન્ડિંગમાં બીજી ઘણી મહત્વની દરખાસ્તો પસાર કરાઈ છે. જેમાં કુલ 46 પ્રસ્તાવો પર નિર્ણય લેવા માટે એજન્ડા બહાર પાડાયો હતો. જેમાંથી 44 પ્રસ્તાવોને મંજૂર કરાયા છે. જેમાં વોર્ડ નં. 5માં આવેલા અટલ બિહારી બાજપેયી ઓડિટોરીયમ પાસેના અનામત પ્લોટમાં લોકો માટે 2.29 કરોડના ખર્ચે કમ્પાઉન્ડ વોલ, વોકિંગ ટ્રેક, વોંકળા પર કલ્વર્ટ સહિતનું કામ મંજુર કરાયું છે. શહેરની સ્ટ્રીટ લાઇટ જાળવણી માટેનો કોન્ટ્રાકટ ઓકટોબર-2024માં પૂરો થઇ રહ્યો છે જેને લઈ નવી એજન્સી માટે રિ-ટેન્ડર કરાતા 9 એજન્સીઓએ ઝોન અને વોર્ડ વાઇઝ ભાવ આપ્યા હતા. તેમજ મનપાના સસ્પેન્ડેડ ટીપીઓ એમ.ડી. સાગઠીયા સામે ACBના ગુના હેઠળ કાર્યવાહી ચલાવવાની મંજૂરી આપવા કમિશનરે સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત કરી હતી. જેમાં તેમની સામે અપ્રમાણસર મિલ્કત વસાવવા અંગેનો ગુનો નોંધાયો હોવાથી પ્રોસિક્યુશન ચલાવવાની મંજૂરી પણ આપી દેવાઈ હતી.