ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થયા પછી આજે ગુરૂવારે ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી છે. પ્રેસ કોન્ફરન્સ દ્વારા ભાજપ દ્વારા 160 ઉમેદવારોના નામની યાદી બહાર પાડી દીધી છે. તેવામાં જામનગર ઉત્તર બેઠક પરથી રિવાબા જાડેજાને ઉમેદવાર તરીકે પસંદ કરાયા છે. આમાથી હકુભા જાડેજાનું પત્તુ કપાઈ જતા રાજકારણ ગરમાયું છે.
જામનગર ઉત્તર બેઠક પરથી રિવાબા જાડેજાને ટિકિટ મળી ગઈ છે. ઉલ્લેખનીય છે કે આ બેઠક પરથી હકુભા અને રિવાબા વચ્ચે કાંટાની ટક્કર હોવાના અહેવાલો મળી રહ્યા હતા. પરંતુ અત્યારે હકુભાનું પત્તું કપાઈ ગયું છે અને ભાજપ દ્વારા રિવાબા જાડેજાને ઉમેદવાર તરીકે પસંદ કરાયા છે.
જામનગર ઉત્તર બેઠક પર મુસ્લિમ મતદારો તેમજ લેઉઆ પટેલ અને કડવા પટેલ, એસસી અને એસટી મતદારો અને બ્રાહ્મણ અને વણિક મતદારોનું પ્રભુત્વ છે. તો મુસ્લિમ મતદારોની સંખ્યા 13.86 ટકા, આહીર સમાજ 5.69 ટકા, SC અને ST મતદારોની સંખ્યા 14.92 ટકા છે.