Gujarat News: રાજ્યમાં દર્દીઓને રાહત આપતા સમાચાર સામે આવ્યા છે. તંત્ર દ્વારા હોસ્પિટલમાંથી લેવાતી ‘ઇન હાઉસ’ દવાને લઈને મહત્વના આદેશ આપવામાં આવ્યા છે. મોટાભાગના લોકો કોઈપણ ડોક્ટર પાસે જાય છે ત્યારે તેમને જે દવા આપવામાં આવે છે તે ત્યાંના મેડિકલ સ્ટોરમાંથી જ લેવી પડતી હોય છે. જો કે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ‘ઇન હાઉસ’ દવાને લઈને પરિપત્ર જારી કરાયો છે. આ પરિપત્ર મુજબ હોસ્પિટલના તમામ મેડિકલ સ્ટોરમાં અહીંથી દવા ખરીદવી ફરજીયાત નથી તેવા સાઈન બોર્ડ લગાવવાનો આદેશ જારી કરવામાં આવ્યો.
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રાજ્યની હોસ્પિટલો માટે કડક વલણ અપનાવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલ ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ વહીવટીતંત્ર કેટલીક બાબતોમાં નક્કર પગલાં લઈ રહ્યું છે. ખોરાક અને ઔષધ નિયમનતંત્રના વડાએ જણાવ્યું કે ‘ઇન હાઉસ’ મરજીયાત કરવી એ દર્દીઓ માટે એક મોટું પગલું કહી શકાય. લોકોએ ફરિયાદ કરી હતી કે હોસ્પિટલમાં સારવાર કરાવ્યા બાદ અમારે તે હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાંથી જ ફરજીયાતપણે દવા લેવી પડે છે. કેટલાક સંજોગોમાં હોસ્પિટલ અને ડોક્ટર દ્વારા પણ તેમના જ મેડિકલ સ્ટોરમાંથી દવા લેવાની ફરજ પાડવામાં આવતી હોય છે. અને આ દવાઓ મહદઅંશે વધુ મોંઘી પણ હોય છે જેના કારણે હોસ્પિટલના ખર્ચ અને બીમારીની સારવારમાં લેવાતી દવાના કારણ તેમને વધુ આર્થિક બોજો સહન કરવો પડે છે. એકબાજુ સરકાર દ્વારા લોકોના સ્વાસ્થ્યમાં સુધારો થાય તે ઉદેશ્યથી જેનરિક દવાઓ આપવામાં આવતી હોય છે પરંતુ દર્દીઓને હોસ્પિટલ તરફથી ‘ઇન હાઉસ’ દવા લેવાનું દબાણ કરવામાં આવતું હોય છે.
વિભાગ દ્વારા લેવાયેલ આ નિર્ણયના કારણે દર્દીઓને મોટી રાહત થશે. કારણ કે અનેક વખત દર્દીઓ દૂર-દૂરથી પોતાના ઇલાજ માટે હોસ્પિટલોમાં આવે છે. અને સારવાર બાદ સાજા થઈ પાછા જાય ત્યારે તેમને કેટલીક દવાઓ તો લેવી જ પડતી હોય છે. ત્યારે આજના વ્યસ્ત સમયમાં એક બાજુ દર્દી સાજો થાય ત્યારે હોસ્પિટલમાંથી રજા લીધા બાદ પણ દવા પર આધારિત દર્દીએ ઘરથી દૂર એવી હોસ્પિટલમાં દવા લેવા વારંવાર ધક્કા ખાવા પડે છે. જો કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જાહેર જનતા અને દર્દીઓના હિતને લઈને નિર્ણય કરાતા તમામ હોસ્પિટલોના મેડિકલ સ્ટોરમાં અંહીથી દવા લેવી ફરજીયાત નથી તેવા સાઈન બોર્ડ લગાવવાના આદેશ જારી કર્યા છે.
આ પણ વાંચો: ગાંધીનગરમાં બોગસ દસ્તાવેજોને આધારે ખેડૂતની જમીન પચાવી પાડવાનું કાવતરૂ
આ પણ વાંચો: મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો બોગસ ડેટા બનાવી રોકડા કરી લેવાનો ગોરખધંધો,દર્દીઓની યાદીમાંથી 50 ટકા નકલી