મુંબઈ ઈન્ડિયન્સનાં કેપ્ટન રોહિત શર્માએ IPL માં વધુ એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. અથવા એમ કહી શકાય કે રોહિતે IPL માં નવો રેકોર્ડની શરૂઆત કરી દીધી છે. રોહિત IPL ની કોઈપણ એક ટીમ સામે એક હજાર રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. રોહિત શર્માએ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે આ કારનામો કરી બતાવ્યો છે. IPL માં એક ટીમ સામે સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં રોહિત શર્મા ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને ઓસ્ટ્રેલિયાનાં ડેવિડ વોર્નરથી આગળ છે. જણાવી દઇએ કે, KKR સામેની મેચમાં મુંબઈની ટીમને હારનો સ્વાદ ચાંખવો પડ્યો હતો.
આ પણ વાંચો – નવો નિયમ / ક્રિકેટમાંથી હંમેશા માટે હટાવવામાં આવ્યો ‘Batsman’ શબ્દ
આપને જણાવી દઇએ કે, ગુરુવારે રોહિતની આગેવાની હેઠળની મુંબઈની ટીમનો મુકાબલો ઈઓન મોર્ગનની ટીમ કોલકતા વિરુદ્ધ હતો, જેમા મુંબઈની ટીમને કોલકતાની ટીમે 7 વિકેટે હરાવ્યુ હતુ. આ મેચ ભલે મુંબઈની ટીમ માટે ખરાબ રહી હોય પરંતુ તે રોહિત શર્મા માટે ફાયદો કરાવી ગઇ છે. જણાવી દઇએ કે, રોહિત શર્મા પણ એક રીતે હવે વિરાટ કોહલી જ બની ગયો છે. તેઓ જે પણ મેચમાં ઉતરે છે, તેઓ તેની સાથે કોઇને કોઇ રેકોર્ડ બનાવેે છે. પ્રથમ મેચમાં ઈજાને કારણે બહાર રહેલા રોહિત શર્મા ગુરુવારે KKR (MI vs KKR) સામે મેદાનમાં ઉતર્યો હતો. તે પાવર-પ્લેની છ ઓવર પૂરી થાય તે પહેલા IPL નાં ઇતિહાસમાં એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી ચુક્યો હતો.
તેણે જે રેકોર્ડ બનાવ્યો છે, તે સૌથી મોટા દિગ્ગજો પણ બનાવી શક્યા નથી. આ રેકોર્ડને ન તો ક્રિસ ગેલ, ન એબી ડિવિલિયર્સ કે ન વિરાટ કોહલી બનાવી શક્યો છે. ડેકોકથી ઈનિંગની શરૂઆત કરતા રોહિતે નીતીશ રાણાની પહેલી જ બોલ પર બેકફૂટ જઇને ચોક્કો માર્યો હતો, પછી સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે, રોહિત આજે સંપૂર્ણ રંગમાં છે. અને જ્યારે વરુણ ચક્રવર્તી ચોથી ઓવર લઈને આવ્યો ત્યારે રોહિતે બતાવ્યું કે તે આવતા મહિને શરૂ થનારા T20 વર્લ્ડકપમાં વિશ્વનાં બોલરોને પરેશાન કરવા માટે તૈયાર છે. આ ઓવરમાં રોહિતે ચક્રવર્તીને સતત બે ચોક્કા ફટકાર્યા હતા.
આ પણ વાંચો – Cricket / ICC એ જાહેર કર્યુ T20 વર્લ્ડકપનું Anthem, જુઓ Video
જ્યારે ઓવર પૂરી થઇ, આંકડાશાસ્ત્રીઓએ તેમના પુસ્તકનાં પાના ફેરવ્યા, ત્યારે રોહિત ઇતિહાસકાર બની ગયો હતો. રોહિતે KKR સામે એક હજાર રન પૂરા કરી દીધા હતા. હા, આ તે કારનામો છે, જે IPL નાં લગભગ 13 વર્ષમાં અત્યાર સુધી કોઈ બેટ્સમેન કરી શક્યો નથી. એનો અર્થ એ થયો કે અન્ય કોઈ બેટ્સમેન કોઈ એક ટીમ સામે એક હજાર રન બનાવી શક્યો નથી. રોહિત આવું કરનાર પ્રથમ બેટ્સમેન છે. રોહિતે જે રીતે શરૂઆત કરી, તે લાંબા સમય સુધી KKR નું બેન્ડ વગાડશે તેવી આશા દર્શકોને હતી, પરંતુ રોહિતની ઈનિંગ માત્ર 33 રન સુધી ટકી શકી અને તે સારી શરૂઆતનો લાભ લઈ શક્યો નહીં.