ત્રીજા કે ચોથા મોરચાથી કે એકલા જવાની કેટલાક વિપક્ષોની વૃત્તિ ભાજપ માટે તો ફાયદારૂપ અને ૧૩૪ કરોડ ભારતીયો માટે તો મોંઘવારી સહિતની યાતના વધારનારી પૂરવાર થઈ શકે
@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર
થોડા દિવસો પહેલા એન.સી.પી.ના સર્વોચ્ચ નેતા અને ભૂતપુર્વ કેન્દ્રીય મંત્રી શરદ પવારના નિવાસસ્થાને રાષ્ટ્રીય મંચના નામ સાથે બેઠક મળશે તેવી જાહેરાત થઈ ત્યારથી એવી ચર્ચા શરૂ થઈ હતી કે કોંગ્રેસ સિવાયના વિપક્ષો ત્રીજાે મોરચો રચવા મુજબ આગળ વધી રહ્યા છે. આ પહેલા એન.સી.પી. સુપ્રિમો અને ચૂંટણીના રણનીતિકાર પ્રશાંત કિશોર વચ્ચે પણ મુલાકાત થઈ ત્યારે પણ ત્રીજા મોરચાની વાત શરૂ થઈ હતી. શરદ પવાર સમય પ્રમાણે ગુલાંટ મારવા માટે જાણીતા નેતા છે અને જ્યારે મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પટોળેકરે કોંગ્રેસ મહારાષ્ટ્રમાં સ્થાનિક ચૂંટણી એકલે હાથે લડશે તેવી જાહેરાત કરી છે તે બાબત અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે જે લંબાણ મુલાકાત થઈ ત્યારબાદ એવી અટકળોએ જાેર પકડ્યું હતું કે કદાચ શીવસેના અને ભાજપ મહારાષ્ટ્ર અને દેશના રાજકીય મંચ પર ફરી એકસાથે આવી જાય પરંતુ આવું કશું બન્યું નથી. શીવસેના ભાજપ અંગે કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેની જાહેરાત કે એક રાતમાં ઠાકરે સરકાર ગબડી પડશે તેવી મહારાષ્ટ્ર ભાજપના પ્રમુખ ચંદ્રકાંત પાટીલની જાહેરાત વાસ્તવિક બની નથી અને મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્ર અઘાડીની સરકારઉધ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળ પોતાની મુદ્દત પુરી કરશે તેની શીવસેનાના પ્રવક્તાએ જાહેરાત કરી છે.
શરદ પવારના નિવાસે બેઠક મળી તેમાં એન.સી.પી., તૃણમુલ કોંગ્રેસ, રાષ્ટ્રીય લોકદળ, નેશનલ કોન્ફરન્સ, સીપીએમ, સીપીઆઈ સહિત આઠ પક્ષોના નેતાઓ હાજર હતા. રાષ્ટ્રીય મંચ આમ તો પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી યશવંતસિંહાએ રચેલો મંચ છે. આ બેઠક અંગે એન.સીપીના પ્રવક્તાએ એવી સ્પષ્ટ જાહેરાત કરી છે કે તેમાં ત્રીજાે મોરચો રચવા બાબતમાં કોઈ ચર્ચા થઈ નથી. કોરોના મહામારીમાં સરકારની નિષ્ફળતા અને અન્ય પ્રશ્નો ચર્ચાયા છે. આ બેઠકમાં કોઈ નક્કર રાજકીય ચર્ચા થઈ નથી. માત્રને માત્ર દેશ સામેના પ્રશ્નો અંગે ચર્ચા થઈ છે. કોઈપણ પ્રકારની ચૂંટણીના ગઠબંધન બાબતમાં ચર્ચા થઈ નથી. એન.સી.પી.ના પ્રવક્તાએ વધુમાં એમ પણ કહ્યું છે કે આ બેઠક માટે કોંગ્રેસને પણ આમંત્રણ અપાયું હતું. પરંતુ કોંગ્રેસના કોઈ નેતા આ બેઠકમાં હાજર રહ્યા નહોતા. જાે કે કપીલ સીબ્બલને આ બેઠકમાં હાજર રહેવા આમંત્રણ અપાયું હતું. તે વાત અંગે કશું કહેવાનું એન.સી.પી.ના પ્રવક્તાએ ટાળ્યું હતું તે પણ હકિકત છે. ટૂંકમાં આ બેઠકની ફળશ્રુતિ અંગે એન.સી.પી.ના પ્રવક્તા દ્વારા જે સત્તાવાર જાહેરાત થઈ છે તેના આધારે એટલું ગણિત અવશ્ય મૂકી શકાય કે હમણાં તો આવી કોઈ ચર્ચા થઈ નથી પરંતુ ભવિષ્યમાં થઈ શકે છે. આ બેઠકમાં આમ આદમી પાર્ટીએ પણ હાજરી આપી હતી. જે હંમેશા બીજા રાજકીય પક્ષોની સાથે રહેવાને બદલે દૂર રહેવા ટેવાયેલી છે.
બીજી તરફ આ બેઠક પહેલાં ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે પણ એવી સ્પષ્ટતા કરી હતી કે ત્રીજાે મોરચો ભાજપને ટક્કર આપી શકે નહિ તેવું સ્પષ્ટપણે પોતે માને છે. તેમનો કહેવાનો એક અર્થ એવો પણ થઈ શકે કે કોંગ્રેસ સાથેનો અસરકારક વિપક્ષી મોરચો જ ભાજપનો વિકલ્પ બની શકે.
શરદ પવારની આ બેઠકમાં યુપીના રાજકારણમાં તેની મહત્ત્વની ભૂમિકા છે તે સમાજવાદી પાર્ટી અને માયાવતીના પક્ષ બહુજન સમાજ પાર્ટી બસપાની હાજરી નહોતી. ટૂંકમાં ફઈ-ભત્રીજાની પાર્ટીની ગેરહાજરી હતી. બસપામાં તો અત્યારે ભંગાણની પ્રક્રિયા ચાલે છે તેના ડેમેજ કન્ટ્રોલમાં માયાવતી અને તેના સાથીદારો લાગેલા છે. સમાજવાદી પક્ષે તાજેતરમાં યોજાયેલી સ્થાનિક ચૂંટણીમાં ભાજપને જે પછડાટ આપી અને મોદી રાજનાથસિંહ અને યોગી આદિત્યનાથના મતવિસ્તારોમાં જે વિજય મેળવ્યો તેના કારણે સપામાં નેતાઓ ફરી યુપીમાં સત્તાસ્થાને આવવાના શમણાં જાેવા લાગ્યા છે. જાે કે સપા લોકસભાની ચૂંટણી વખતે એટલે કે ૨૦૨૪માં વિપક્ષી ગઠબંધન કે આવા કોઈ ત્રીજા મોરચામાં જાેડાવાનું વિચારી શકે. બાકી અત્યારે તો સપા યુપીમાં ‘એકલો જાને રે’નો માર્ગ અપનાવશે તે પણ નક્કી છે. આમ ત્રીજા મોરચાની વાત પર અત્યારે સો ટકા પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે તેવું તો ન કહેવાય પરંતુ અલ્પવિરામ મૂકાયું છે તેવું તો ચોક્કસપણે કહી શકાય.
જાે કે રાજકિય નિરીક્ષકો એવું ગણિત પણ મૂકી રહ્યા છે કે વિપક્ષી ગઠબંધન કે ત્રીજાે મોરચો રચાશે કે નહિ તેનો ખરો આધાર ૨૦૨૨માં યોજાનારી પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો પર છે. તેટલું ચોક્કસ કહી શકાય. ૨૦૨૨માં સપા એકલા હાથે લડવના તો આમ આદમી પાર્ટી પંજાબની સાથે ગુજરાતમાં ભાજપ કોંગ્રેસ બંને સામે લડી લેવાના મૂડમાં છે. હમણાં જે ચૂંટણીઓ યોજાઈ ગઈ તે પાંચ રાજ્યોમાં ભાજપને આસામમાં સત્તા જાળવી રાખવામાં સફળતા મળી છે. પશ્ચિમ બંગાળમાં આટલી બધી તાકાત લગાવ્યા પછી પણ ભલે બેઠકો વધાર્યાનો સંતોષ લઈ શકે તેટલી સફળતા મળી છે પરંતુ સત્તા મળી નથી.
આ બધા સંજાેગો વચ્ચે કોંગ્રેસે પશ્ચિમ બંગાળમાં મીંડું મૂકાવ્યું છે. કેરળમાં ડાબેરીઓ સામે ફાવી નથી ત્યાં તો ભાજપ પણ ખાતું ખોલાવી શક્યું નથી. તમિલનાડુમાં ડીએમકેની સત્તા આવી અને કોંગ્રેસે પોતાને ફાળે આવેલી ૨૫ બેઠકો પૈકી ૧૮ બેઠકો જીતી બતાવી છે. કર્ણાટકમાં હાલ પક્ષપલ્ટાના હથિયારથી કોંગ્રેસ અને જનતાદળ (એસ)ને પછાડી ભાજપે ફરી સત્તા મેળવી હોય પણ ત્યાંની સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસ અને જનતાદળ (એસ) એકલા હાથે લડ્યા હોવા છતાં સત્તાધારી ભાજપને ત્રીજા સ્થાને ધકેલી દીધું છે.
ટૂંકમાં અત્યારે તો દરેક પક્ષો પોતાનું રાજકારણ પોતાની રીતે ખેલે છે. કોંગ્રેસ સહિત વિપક્ષોને ભાજપ પર પ્રહારો કરવા છે પણ ભાજપ સામે લડત આપવામાં એક થવું નથી. એક વાત નક્કી છે કે ભલે ભાજપના સમર્થકો વિપક્ષી એકતા વિષે ગમે તેવા શબ્દપ્રયોગો કરતાં હોય પરંતુ એક વાત નક્કી છે કે મોટાભાગના રાજકીય વિશ્લેષકો એક જ વાત કહી રહ્યા છે કે વિપક્ષી એકતા વગર હવે ભાજપને હરાવવું શક્ય નથી. ભાજપ પણ વિપક્ષી એકતાથી ડરે છે. કારણ કે એન્ટી ઈન્કમ્બન્સી ભાજપને નુકસાન કરી શકે છે તેવો ભાજપ અને તેના હાલના સાથી પક્ષો અને તેના ભક્તોને ડર છે. માત્ર રાષ્ટ્રવાદ કે ધર્મવાદની વેકસીનથી હવે ભાજપ લોકોને ગેરમાર્ગે દોરી શકે તેમ નથી. મોંઘવારી, કાળુ ધન, ફુગાવો અને ૭૦ વર્ષમાંં ક્યારેય નહોતું તેટલું અર્થતંત્ર ખાડે ગયું છે તેવું મોટાભાગના નિષ્ણાતો કહે છે ત્યારે વેરવિખેર વિપક્ષો ભાજપ માટે ફાયદામાં જ છે આ વાત વિપક્ષોએ સમજવી પડશે.