Delhi News : જનતા દળ યુનાઇટેડ (JDU)ની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક આજે દિલ્હીમાં ચાલી રહી છે, જેની અધ્યક્ષતા પાર્ટીના વડા અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર કરી રહ્યા છે. આ બેઠકમાં JDUના વરિષ્ઠ નેતા સંજય ઝાને પાર્ટીના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે મુખ્યમંત્રી અને જેડીયુ પ્રમુખ નીતિશ કુમારે પોતે સંજય ઝાને કાર્યકારી અધ્યક્ષ બનાવવાની જાહેરાત કરી છે. નીતીશ કુમારે દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબમાં યોજાયેલી પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં આ નિર્ણય લીધો છે. આ બેઠકમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓ ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી રહ્યા છે. વર્તમાન રાજકીય માહોલ અને 2025માં થનારી બિહાર વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા માટે આ બેઠક બોલાવવામાં આવી હતી.
આ વર્ષની શરૂઆતમાં ‘INDIA’ ગઠબંધન સાથે છેડો ફાડયા બાદ જેડી(યુ) વડા નીતિશકુમાર NDAમાં પાછા ફર્યા અને આ વર્ષે જાન્યુઆરીમાં બિહારના સીએમ તરીકે શપથ લીધા. નીતિશ કુમારની જેડીયુએ ભાજપ સાથે ગઠબંધન કરીને 2024ની લોકસભા ચૂંટણી લડી હતી. નોંધનીય છે કે બિહારમાં ઓક્ટોબર 2025માં તેની 243 સભ્યોની વિધાનસભા માટે મતદાન થવાની અપેક્ષા છે.
સંજય ઝાનો પરિચય
જેડીયુ નેતા સંજય ઝા અગ્રણી રાજકારણી છે. 2004-05માં સક્રિય રાજકારણમાં તેમણે પ્રવેશ કર્યો અને 2006માં બિહાર વિધાન પરિષદના સભ્ય બન્યા હતા. રાજકારણમાં તેમને સફળથા મળી અને નીતિશકુમારની બિહાર સરકારમાં જળ સંસાધન અને માહિતી અને જનસંપર્ક વિભાગના મંત્રી તરીકે સેવા આપી હતી. 2024માં તેઓ બિહારમાંથી બશિષ્ઠ નારાયણ સિંહની જગ્યાએ જનતા દળ (યુનાઈટેડ) માટે રાજ્યસભાના સભ્ય (ભારત) તરીકે બિનહરીફ ચૂંટાયા. તેમની મહત્વનું યોગદાન રહ્યું છે કે તેમણે જાહેર સેવા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને દર્શાવતા, ઝાંઝરપુરમાં ટ્રોમા સેન્ટરના નિર્માણ માટે પૂર્વજોની જમીન દાનમાં આપી છે .
આ પણ વાંચો: અમરનાથ યાત્રા માટે શ્રદ્ધાળુઓની પ્રથમ ટુકડી બાલટાલ પહોંચી
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીને લઈને NDA ચિંતિત, બજેટથી લોકોને આર્કષવાનો પ્રયાસ
આ પણ વાંચો: અયોધ્યામાં નવનિર્મિત રામપથ પર પાણી ભરાતા CM યોગીની કડક કાર્યવાહી, 6 એન્જિનિયર કરાયા સસ્પેન્ડ