Mumbai News : ગાયક અને જાણીતા સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયનું નિધન થતા સંગીત રસિકોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. પુરૂષોત્તમ ઉપાધ્યાયે 90 વર્ષની વયે તેમના મુંબઈ ખાતેના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા.ગુજરાતનું ગૌરવ સમા ગાયક અને જાણીતા સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયનું નિધન થઈ ગયું છે. ગુજરાત સરકારે તેમને ગૌરવ પુરસ્કારથી સન્માન્યા હતા. જ્યારે 2017માં ‘પદ્મશ્રી’ ઍવૉર્ડથી સન્માનવામાં આવ્યા હતા.તેમણે હે રંગલો જામ્યો, દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી, કહું છું જવાનીને જેવા અને ગીતોને સ્વર આપીને અમર બનાવી દીધા છે.
15 ઑગસ્ટ, 1934માં ખેડાના ઉત્તરસંડામાં જન્મેલા પુરુષોત્તમ ઉપાધ્યાયને નાનપણથી સંગીત સાંભળવાનો અને ગાવાનો શોખ હતો. સ્કૂલ દરમિયાન તેમને સંગીતમાં અનેક અવૉર્ડ્સ મળ્યા. તેમને ભણવા કરતાં સંગીતમાં વધુ રસ હતો એટલે પરિવારમાં કોઈને કહ્યા વગર સંગીતમાં કરિયર બનાવવા મુંબઈ જતા રહ્યા. જોકે, ત્યાં એટલું પ્રોત્સાહન ના મળતા પાછા વતન આવ્યા. તેમણે નાટક કંપનીમાં નાના-મોટા રોલ કરવાની શરૂઆત કરી.આ દરમિયાન તેમને જાણીતા એક્ટર અશરફખાનની હાજરીમાં નૂરજહાંએ ગાયેલું એક ગીત ગાવાની તક મળી અને આ ઘડી તેમના જીવનમાં ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ. થોડા સમય બાદ પુરુષોત્તમ ઉપાધ્યાય ફરીથી મુંબઈ ગયા ને નાનું-મોટું કામ મળવા લાગ્યું. ત્યાં તેઓ તે સમયના જાણીતા કલાકારો અમીરબાઈ કર્ણાટકી, તબલાનવાજ ઉસ્તાદ અલ્લારખાંસાહેબ, ગુજરાતી ગાયક દિલીપ ધોળકિયા, અવિનાશ વ્યાસના સંપર્કમાં આવ્યા.
માસ્ટર અશરફખાનની ભલામણથી આકાશવાણી, મુંબઈમાં ગીત ગાવાનો કોન્ટ્રાક્ટ કર્યો. આ ઉપરાંત તેમને મુંબઈની જાણીતી ભારતીય વિદ્યાભવન ખાતે અવિનાશ વ્યાસના માર્ગદર્શન હેઠળ સંગીત ઇવેન્ટ્સનું સંચાલન કરવાની તક મળી.આ સાથે જ તેઓ ઉસ્તાદ નવરંગ નાગપુરકર પાસેથી શાસ્ત્રીય સંગીત શીખતા. અવિનાશ વ્યાસ જ્યારે વિદેશ જાય ત્યારે તેમના ભારતીય વિદ્યાભવનના સંગીતના ક્લાસ ચલાવવાની તક પુરુષોત્તમભાઈને મળતી. થોડા સમય બાદ પુરુષોત્તમભાઈ પોતાના કાર્યક્રમો દેશ-વિદેશમાં ઓર્ગેનાઇઝ કરવા લાગ્યા. તેઓ ગુજરાતી સુગમ સંગીત ઉપરાંત ગઝલ-ગાયનમાં પણ લોકપ્રિય થયા.
બોલિવૂડ સંગીતકાર કલ્યાણજી–આણંદજી સાથે પુરુષોત્તમ ઉપાધ્યાય પણ મ્યૂઝિક આપતા. લતા મંગેશકર, આશા ભોસલે અને મહમ્મદ રફી જેવા સિંગર્સે પુરુષોત્તમ ઉપાધ્યાય સાથે કામ કર્યું હતું.પુરુષોત્તમ ઉપાધ્યાયે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું, ટોરેન્ટોમાં મેંદી હસનના ભત્રીજા સૌહેલ રાણાએ મને સવાલ કરેલો કે ઉપાધ્યાયજી આપ ઉર્દૂ બડા અચ્છા ગાતે હો…આપ ગુજરાતી છોડકે ઉર્દૂ ક્યૂં નહીં ગાતે, હમ આપકો પાકિસ્તાન લે જાયેંગ ઔર ઢેર સારા પૈસા દિલાયેંગે…ત્યારે મેં તેને કહ્યું હતું કે ગુજરાતી ભાષા એ મારી મા છે. મારી માને હું ખૂણામાં મૂકી શકુ તેમ નથી. બીજી ભાષાને માસી કહેવા તૈયાર છું પણ તે મા તો નથી જ.
આ પણ વાંચો: સુરત બોગસ ડોક્ટરોએ શરૂ કરેલી બોગસ હોસ્પિટલ એક જ દિવસમાં સીલ
આ પણ વાંચો: સુરત બન્યું બોગસ ડોક્ટરોનું હબ
આ પણ વાંચો: અમદાવાદમાં બોગસ ડોક્ટરની વધુ એક નકલી હોસ્પિટલ પકડાઈ