@અરુણ શાહ, મંતવ્ય ન્યૂઝ
ગુજરાતમાં ફેબ્રુઆરી 2021 અંત સુધીમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીની કવાયત મુખ્ય રાજકીયપક્ષ કોંગ્રેસ અને ભાજપ દ્વારા શરૂ કરવામાં આવી છે. ત્યારે ઘણા લાંબા સમય પછી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીમાં ત્રીજા રાજકીય પક્ષનો ઉદય થવાનાં ચક્રો ગતિમાન થયા છે.
231 તાલુકા પંચાયત અને 31 જિલ્લા પંચાયતની ડિસેમ્બરમાં પૂર્ણ થતી મુદ્દત બાદ ત્રણ મહિના ચૂટંણી વિલંબમાં પડી છે. દરમિયાન રાજ્ય ચૂંટણીપંચે ફેબ્રુઆરી-2021 નાં અંત સુધીમાં આ ચૂંટણી યોજવાનો નિર્ણય કર્યો છે. દરમિયાન ગુજરાતમાં મુખ્ય બે રાજકીયપક્ષ ભાજપ અને કોંગ્રેસ સિવાય ત્રીજા રાજકીયપક્ષનો ઉદય થવાની શક્યતા પ્રબળ બની છે. જે મુજબ ગુજરાત વિધાનસભા ગૃહમાં હાલ છોટુ વસાવા અને તેમના દિકરા મહેશ વસાવા બીટીપીનું નેતૃત્વ કરી રહ્યાં છે. દરમિયાન છોટુ વસાવાએ આગામી ચૂંટણી હેતુ એઆઇએમઆઇએમનાં નેતા ઓવૈસી સાથે રાજકીય જોડાણ કરવાના ચક્ર ગતિમાન કર્યા છે.
જો કે આ બંન્ને રાજકીયપક્ષનાં જોડાણથી ભારતીય જનતા પાર્ટીને રાજકીય રીતે નુકસાન થવાની સંભાવના નહિવત છે. પરંતુ મહદ અંશે લઘુમતી અને આદિવાસી સમાજ આજદિન સુધી કોંગ્રેસની તરફેણમાં મતદાન કરતાં આવ્યા છે. પરંતુ હવે જો લઘુમતી અને આદિવાસી નેતૃત્વ અલગથી ચૂંટણી જંગમાં ઝૂકાવે તો ચૂંટણીમાં કોંગ્રેસ માટે ભાજપ ઉપરાંત વધુ એક રાજકીય સંગઠનનો પડકાર નિશ્ચિત બનશે. લઘુમતી અને આદિવાસી સમાજ પાસે કોંગ્રેસનો વિકલ્પ નહીં હોવાથી અત્યાર સુધી કોંગ્રેસને મત આપતાં રહ્યાં છે. પરંતુ હવે જો ત્રીજા રાજકીયપક્ષનો ઉદય થશે અને લઘુમતી અને આદિવાસી સમાજ જોડાણ કરી કોંગ્રેસનો હાથ ત્યજી દેશે તો કોંગ્રેસને રાજકીય રીતે મોટું નુકસાન થવાનો મત રાજકીયનિષ્ણાત વ્યક્ત કરી રહ્યાં છે.
બીજીબાજુ અત્યારસુધી લઘુમતી નેતાઓને રાજકીય દ્રષ્ટિએ આગળ આવવાની તક પણ નહિંવત સાંપડી છે ત્યારે ત્રીજા પક્ષના ઉદયથી લઘુમતી નેતૃત્વ મળવાની સંભાવનાના દ્વાર વધુ પ્રમાણમાં ખુલી શકે છે. વાત કરીએ બીટીપીની તો ગુજરાતમાં ભરૂચ જિલ્લા પંચાયતમાં બીટીપીના સમર્થનથી કોંગ્રેસે સત્તા મેળવી હતી. પરંતુ બીટીપીનાં નેતા છોટુ વસાવાએ સમર્થન પરત ખેંચતાં ભરૂચ સાથે નર્મદા જિલ્લામાં પણ તેની વિપરિત અસર વર્તાઇ હતી. તો રાજ્યસભાની ચૂંટણીમાં પણ છોટુ વસાવાની ભૂમિકા નિર્ણાયક રહી છે. આ સંજોગોમાં હવે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીમાં નવા સમીકરણ ક્યારે રચાશે? વસાવા અને ઓવૈસીના રાજકીયપક્ષનું જોડાણ કેવી રીતે થાય છે? જોડાણ ક્યારે થશે ? એ સહિતના અનેક પ્રશ્નો ગુજરાતના રાજકારણમાં ચર્ચાના કેન્દ્રસ્થાને રહ્યાં છે. ત્યારે હવેનાં રચાનારા રાજકીય સમીકરણ પર સૌની નજર રહેશે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…