વર્લ્ડકપ 2023/ સાઉથ આફ્રિકાની જીતથી Points Tableમાં ધરખમ ફેરફાર; ટીમ ઇન્ડિયાને પણ નુકશાન

સાઉથ આફ્રિકાની જીતથી ટીમ ઇન્ડિયાને પણ એક સ્થાનનું નુકશાન થયુ છે, તમામ મેચો જીત્યા છતાં ભારત એક સ્થાન સરકીને બીજા નંબરે પહોંચી ગયું છે

Sports
વર્લ્ડકપ 2023 1 સાઉથ આફ્રિકાની જીતથી Points Tableમાં ધરખમ ફેરફાર; ટીમ ઇન્ડિયાને પણ નુકશાન

ODI વર્લ્ડ કપ 2023, પોઈન્ટ ટેબલ: વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકાએ ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી મેચ 190 રને જીતી લીધી હતી. આ મેચમાં જીતની સાથે સાથે પોઈન્ટ ટેબલમાં પણ ઘણા ફેરફારો થયા છે. ખાસ વાત એ છે કે આ મેચના પરિણામની અસર પોઈન્ટ ટેબલ પર ટોચની 4 ટીમોને જ થઈ છે. પહેલા વાત કરીએ દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચની તો આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 50 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 357 રન બનાવ્યા હતા.

આ દરમિયાન દક્ષિણ આફ્રિકાના બે ખેલાડીઓએ સદી ફટકારી હતી. બીજી ઈનિંગમાં પણ દક્ષિણ આફ્રિકાએ ન્યૂઝીલેન્ડ પર સંપૂર્ણ પ્રભુત્વ જમાવ્યું હતું, જ્યાં કિવિઓને 35.3 ઓવરમાં 167ના સ્કોર પર ઓલઆઉટ કરીને મોટા અંતરથી મેચ જીતી મેળવી હતી.

પોઈન્ટ ટેબલમાં ઘણા ફેરફારો

સાઉથ આફ્રિકાની ન્યુઝીલેન્ડ સામેની મોટી જીતને કારણે પોઈન્ટ ટેબલની ટોપ 4 ટીમોમાં એક ફેરફાર થયો છે. મેચ પહેલા ટીમ ઈન્ડિયા પ્રથમ સ્થાને હતી અને દક્ષિણ આફ્રિકા બીજા સ્થાને હતું. મેચ બાદ દક્ષિણ આફ્રિકા 7 મેચમાં 6 જીત, 12 પોઈન્ટ અને +2.290ના નેટ રન રેટ સાથે પ્રથમ સ્થાને પહોંચી ગયું છે. જ્યારે ટીમ ઈન્ડિયા 6 મેચમાં 6 જીત અને 12 પોઈન્ટ સાથે બીજા સ્થાન પર છે. અસલમાં ટીમ ઈન્ડિયાનો નેટ રન રેટ હાલમાં +1.405 છે જે દક્ષિણ આફ્રિકા કરતા ઓછો છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાએ એક સ્થાન ગુમાવ્યું છે.

ત્રીજા અને ચોથા સ્થાનની વાત કરીએ તો મેચ પહેલા ન્યૂઝીલેન્ડ ત્રીજા અને ઓસ્ટ્રેલિયા પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને હતું, પરંતુ મોટા માર્જીનથી મળેલી હારથી ન્યુઝીલેન્ડનો નેટ રન રેટ સંપૂર્ણપણે બગાડ્યો હતો. ન્યૂઝીલેન્ડે 7 મેચમાં 4 જીત મેળવી હતી. +0.484 નેટ રન રેટ સાથે ચોથા સ્થાને પહોંચી. ઓસ્ટ્રેલિયાની ટીમ હવે 6 મેચમાં 4 જીત અને +0.970ના નેટ રન રેટ સાથે ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે.

ટોપ 4 ટીમોને થઇ અસર

ટોપ 4 સિવાય અન્ય તમામ ટીમો એ જ સ્થિતિમાં હાજર છે જ્યાં તેઓ આ મેચ પહેલા હતી. પાકિસ્તાન પાંચમા સ્થાને, અફઘાનિસ્તાન છઠ્ઠા સ્થાને, શ્રીલંકા સાતમા સ્થાને, નેધરલેન્ડ 8મા સ્થાને, બાંગ્લાદેશ 9મા અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ 10મા સ્થાને છે. ટુર્નામેન્ટમાં સેમિફાઇનલ માટેનો જંગ હવે ઘણો રોમાંચક બની ગયો છે. જ્યાં ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે કાંટાની ટક્કર થવાની સંભાવના છે.

આ પણ વાંચો- સાઉથ આફ્રિકા સામે ન્યુઝીલેન્ડની 190 રનથી શરમજનક હાર