અભિનેતા કમલ હસન બાદ ગૃહમંત્રી અમિત શાહનાં ‘એક દેશ એક ભાષા’ નાં નિવેદનનો વિરોધ કરવા માટે સાઉથનાં સુપરસ્ટાર રજનીકાંત પણ સામે આવી ગયા છે. રજનીકાંતે બુધવારે કહ્યું હતું કે જો હિન્દીને આખા દેશમાં લાદવામાં આવે તો તમિલનાડુ સહિત દક્ષિણ ભારતનાં તમામ રાજ્યો તેનો વિરોધ કરશે. અભિનયનાં ક્ષેત્રથી રાજકારણમાં પગ પેસારો કરનાર રજનીકાંતે કહ્યું હતું કે ‘દેશની પ્રગતિ માટે કોમન ભાષા સારી રહેશે પરંતુ કમનસીબે ભારત પાસે કોમન ભાષા નથી. જો હિન્દી લાદવામાં આવે છે, તો કોઈ પણ તેને તમિલનાડુમાં સ્વીકારશે નહીં અને તે દક્ષિણ ભારતમાં પણ સ્વીકાર્ય નહીં હોય. તેમણે કહ્યું કે ઉત્તર ભારતનાં રાજ્યો પણ તેને સ્વીકારશે નહીં.
14 સપ્ટેમ્બર, હિન્દી દિવસે, ગૃહમંત્રી અમિત શાહે દેશ માટે એક ભાષા હિન્દી પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે દેશની એકતા માટે ‘એક દેશ એક ભાષા’ હોવી જોઈએ. જ્યારે ગૃહમંત્રીનું આ નિવેદન આવ્યું ત્યારે તેનો વિરોધ પણ શરૂ થઇ ગયો, ખાસ કરીને આ વિરોધ દક્ષિણ ભારતમાં જોવા મળ્યો હતો. શાહનાં નિવેદનોનો સૌ પ્રથમ મક્ક્લ નીધિ મય્યમ (એમએનએમ) નાં પ્રમુખ વાઇકોએ વિરોધ કર્યો હતો. વાઇકોએ કહ્યું, ‘આ કરવાથી દેશમાં ભાષા યુદ્ધ શરૂ થઇ જશે. તમિલનાડુમાં હિન્દી સ્વીકારવામાં આવશે નહી. અમને તમિલ પર ગર્વ છે અને અમે તેને છોડીશુ નહી.’
અભિનેતાથી રાજકારણી બનેલા કમલ હસને આ વિષય પર કહ્યું કે, તમિલનાડુનાં જલ્લીકટ્ટૂ તરફથી હિન્દી સામે સખત વિરોધ કરવામાં આવશે. કમલ હસને પોતાના વીડિયોમાં કહ્યું, ‘વિવિધતામાં એકતા એ ભારતની વિશેષતા છે અને જ્યારે ભારત પ્રજાસત્તાક બન્યો ત્યારે તેને જાળવી રાખવાનું વચન આપવામાં આવ્યું હતું. કોઈ શાહ, સુલતાન અથવા સમ્રાટ આને બદલી શકશે નહી. જલ્લીકટ્ટૂ કરતા હિન્દી સામે અમારો વિરોધ વધુ તીવ્ર હશે. ભારતમાં કે તમિલનાડુમાં આવા ભાષાકીય યુદ્ધની કોઈ જરૂર નથી.
તમિલાનાડુમાં ભાજપનાં સહયોગી પક્ષ એઆઈએડીએમકે અને પીએમકેએ પણ ગૃહમંત્રીનાં વિચારનો વિરોધ કર્યો છે. તમિલનાડુ રાજ્ય શરૂઆતથી હિન્દીનો વિરોધ કરી રહ્યું છે. અહીં હિન્દી વિરુદ્ધ ઘણા મોટા દેખાવો પણ થયા છે. આ રાજ્યમાં 1937 થી 1940 અને ફરી 1965 માં, લોકો હિન્દી સામે રસ્તાઓ પર ઉતર્યા હતા. આ સ્પષ્ટ દર્શાવે છે કે જો હિન્દીને રાષ્ટ્રીય ભાષા બનાવવામાં આવે છે તો વિરોધનો વંટોળ કેટલો તિવ્ર બની શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.