આખરે 2020 નું વર્ષ પૂર્ણ થયું. આ વર્ષ, જેણે ઘણી કડવી યાદો આપી છે, બધા દેશોએ તેને હસતા-હસતા અંતિમ વિદાઇ આપી અને રસી સહિતની સારી ચીજોની આશામાં વર્ષ 2021 નું સ્વાગત કર્યું છે. જો કે, મોટાભાગનાં દેશોમાં, કોરોનાવાયરસનાં નવા સ્ટ્રેનનાં જોખમને ધ્યાનમાં રાખીને, નવા વર્ષનું ખૂબ શાંતિપૂર્ણ રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતમાં કર્ફ્યુ અને કડક નિયમો વચ્ચે ઉજવણી ન થઇ શકી અને લોકોએ તેમના ઘરોમાં કેદ થઈને 2021 નું સ્વાગત કર્યું હતું.
એક તરફ, વિશ્વનાં મોટાભાગનાં દેશો લોકડાઉન અને કોરોનાનાં કારણે ઘરે કેદ હતા. ભારતમાં પણ મોટાભાગનાં મેટ્રો સિટીમાં નાઇટ કર્ફ્યુ હતું. ત્યારે સૌ કોઇને તે જાણવાની ઇચ્છા થાય કે ચીનનાં વુહાનની આ દરમિયાન શું પરિસ્થિતિ છે, જ્યાથી આ કોરોના સમગ્ર વિષ્વમાં ફેલાયો છે. તો અમે તમને જણાવી દઇએ કે, જે તમે વિચારતા હશો તેનાથી વિપરિત દ્રશ્યો અહીથી સામે આવ્યા છે. જી હા, ચીનનું વુહાન શહેર, જેણે વિશ્વને કોરોના મહામારી આપી, તે 31 ડિસેમ્બરની ઉજવણી કરી રહ્યુ છે. ઉજવણી પણ કંઈક એવી કે કોરોના જાણે ત્યાં ક્યારેય ન હતો. ઉજવણીમાં કોઈ સોશિયલ ડિસ્ટેન્સિંગ જોવા મળ્યું ન હતું. વુહાનની ઉજવણી જોઈને એવું લાગી રહ્યું હતું કે જાણે તે દુનિયાને ચીડવી રહ્યું હોય. આપને જણાવી દઇએ કે, ડિસેમ્બર 2019 માં, કોરોના વાયરસનો પ્રથમ કેસ ચીનનાં વુહાન શહેરમાં નોંધાયો હતો. આ પછી, ધીરે ધીરે કોરોના સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગયો. 2020 નાં અંત સુધીમાં, એવું લાગ્યું હતું કે કોરોના ખતમ થવાનો છે. ઘણા દેશોમાં રસીકરણની શરૂઆત પણ થઈ છે પરંતુ દક્ષિણ આફ્રિકા અને બ્રિટનમાં મળી આવેલા કોરોનાનાં નવા સ્ટ્રેને ફરી એકવાર ચિંતા ઉભી કરી છે. નવા સ્ટ્રેનનાં કારણે બ્રિટનનાં ઘણા શહેરોમાં લોકડાઉન લાદવામાં આવ્યું હતું.
આ વાયરસથી દુનિયાનાં 17 લાખથી વધુ લોકો માર્યા ગયા છે અને 8 કરોડથી વધુ લોકોને આ ખતરનાક વાયરસનો ચેપ લાગ્યો છે. મોડી રાત સુધીમાં, વિશ્વનાં ઘણા દેશોનાં લોકો તેમના ઘરોમાં કેદ થયા હતા. તે જ સમયે, વુહાનમાં 2021 વેલકમ માટે લાઇવ મ્યુઝિકનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. કોરોનાનાં આ એપિક સેન્ટરમાં પાર્ટીઓ ચાલી રહી હતી. નવા વર્ષની ઉજવણીને લઈને વુહાનમાં કોઈ નિયમોનું પાલન કરવામાં આવ્યું ન હોતું. પાર્ટીમાં આવતા લોકોમાં, અમુક જ એવા ચહેરા હતા કે જેઓ માસ્ક પહેરીને આવ્યા હોય. એટલું જ નહીં, ભીડ એટલી વધી ગઈ હતી કે લોકોનાં ખભા એકબીજાને અથડાતા હતા. અહીં સોશિયલ ડિસ્ટેન્સિગ જેવુ કઇ જ દેખાતુ ન હોતુ.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…