દુબઈ,
UAEમાં રમાઈ રહેલા એશિયા કપના સુપર ૪ મુકાબલામાં પાકિસ્તાનને ૯ વિકેટે હરાવી ભારતીય ટીમે એક તરફી વિજય હાંસલ કર્યો હતો. આ જીત સાથે જ ભારતે પાકિસ્તાનની ટીમને આ ટુર્નામેન્ટમાં સતત બીજીવાર હારનો સ્વાદ ચખાડ્યો છે અને ફાઇનલમાં પોતાનું સ્થાન પણ પાક્કું કર્યું છે.
પાકિસ્તાન સામેની આ શાનદાર જીત સાથે ભારતીય ટીમના ખેલાડીઓએ રેકોર્ડની હારમાળા સર્જી છે.
૧. વન-ડેમાં વિકેટોમાં હિસાબથી સૌથી મોટી જીત
વન-ડેમાં વિકેટોમાં હિસાબથી ભારતીય ટીમે પાકિસ્તાન સામેની આ સૌથી મોટી જીત છે. ભારતીય ટીમે ૯ વિકેટ અને ૬૩ બોલ બાકી રાખતા આ મુકાબલો જીત્યો હતો.
આ પહેલા એશિયા કપમાં જ ૧૯ સપ્ટેમ્બર, ૨૦૧૮ના રોજ પાકિસ્તાન પર ૮ વિકેટે વિજય હાંસલ કર્યો હતો.
૨. ત્રીજા સૌથી ઝડપી ૭૦૦૦ રન
ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ પાકિસ્તાન સામેની પોતાની ૧૧૧ રનની ઇનિંગ્સ દરમિયાન વન-ડે કેરિયરના ૭૦૦૦ રન પુરા કર્યા છે. આ સાથે જ શર્મા સૌથી ઝડપી ૭૦૦૦ રન પુરા કરવાના મામલે ત્રીજા ભારતીય ખેલાડી બન્યો છે.
રોહિત શર્માએ આ મામલે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને પાછળ છોડ્યા છે. શર્માએ ૧૮૧ ઇનિગ્સમાં આ ઉપલબ્ધિ હાંસલ કરી હતી.
આ પહેલા સૌરવ ગાંગુલીએ ૧૭૪ ઇનિંગ્સ તેમજ વિરાટ કોહલી ૧૬૧ ઇનિંગ્સમાં ૭૦૦૦ રન પુરા કરી ચુક્યા છે. જયારે વન-ડે ક્રિકેટના ઇતિહાસમાં દક્ષિણ આફ્રિકાના હાશિમ અમલાએ માત્ર ૧૩૦ ઇનિંગ્સમાં આ માઈલસ્ટોન હાંસલ કર્યો હતો.
૩. પાકિસ્તાન સામે પ્રથમ વિકેટ માટે સૌથી વધુ રનની ભાગીદારી બનાવવાનો રેકોર્ડ
પાકિસ્તાન સામેની મેચ દરમિયાન ભારતીય ટીમ તરફથી ધવન અને રોહિત શર્માની જોડીએ પ્રથમ વિકેટ ૨૧૦ રનની ભાગીદારી નોધાવી હતી. આ સાથે ધવન અને રોહિત શર્માની જોડીએ પ્રથમ વિકેટ માટે સૌથી વધુ રનની ભાગીદારી બનાવવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે.
૪. ૫મી સૌથી વધુ રન બનાવનારી જોડી
પાકિસ્તાન સામેની મેચ દરમિયાન ૨૧૦ રનની ભાગીદારી નોધાવાની સાથે જ ધવન અને રોહિત શર્માની જોડી ૫મી સૌથી વધુ રન બનાવનારી જોડી બની ગઈ છે. બંને અત્યારસુધીમાં ૮૪ ઇનિંગ્સમાં ૩૮૪૬ રન બનાવ્યા છે.
આ યાદીમાં સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલીની જોડી સૌથી ઉપર છે. આ જોડીએ ૧૭૬ ઇનિંગ્સમાં ૮૨૨૭ રન બનાવ્યા છે.
૫. રોહિત શર્માએ ઓપનર તરીકે સૌથી ઝડપી ૫૦૦૦ રન બનાવવાનો રેકોર્ડ
ભારતીય ટીમના ઓપનર તરીકે સૌથી ઝડપી ૫૦૦૦ રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. શર્માએ ૧૦૨ ઇનિંગ્સમાં ૫૦૦૦ રન પુરા કરી સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો છે.
સચિન તેંડુલકરે ૧૧૧ ઇનિંગ્સમાં ૫૦૦૦ રન પુરા કર્યા હતા.
૬. યુજ્વેન્દ્ર ચહલ ભારત તરફથી વન-ડેમાં બીજા સૌથી ઝડપી ૫૦ વિકેટ ઝડપનાર બન્યો બોલર
ભારતીય ટીમના સ્પિન બોલર યુજ્વેન્દ્ર ચહલ ભારત તરફથી વન-ડેમાં બીજા સૌથી ઝડપી ૫૦ વિકેટ ઝડપનાર બોલર બની ગયો છે. ચહલે ૩૦ મેચમાં ૫૦ વિકેટ ઝડપી હતી.
જો કે ભારત માટે વન-ડેમાં સૌથી ઝડપી ૫૦ વિકેટ ઝડપવાનો રેકોર્ડ અજીત અગરકરના નામે છે. તેઓએ માત્ર ૨૪ વન-ડેમાં આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.
૭. શિખર ધવને ફટકારી વન-ડે કેરિયરની ૧૫મી સદી
ભારતના ઓપનર બેટ્સમેન શિખર ધવને પાકિસ્તાન સામેની ૧૧૪ રનની ઇનિંગ્સ દરમિયાન વન-ડે કેરિયરની ૧૫મી સદી ફટકારી હતી. આ પહેલા સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી, વિરાટ કોહલી અને રોહિત શર્મા ૧૫થી વધુ સદી ફટકારી ચુક્યા છે.
૮. રોહિત શર્માએ ફટકારી વન-ડે કેરિયરની ૧૫મી સદી
ભારતના કેપ્ટન બેટ્સમેન રોહિત શર્માએ પાકિસ્તાન સામેની અણનમ ૧૧૧ રનની ઇનિંગ્સ દરમિયાન વન-ડે કેરિયરની ૧૯મી સદી ફટકારી હતી. આ પહેલા સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી, વિરાટ કોહલી ૧૯થી વધુ સદી ફટકારી ચુક્યા છે.