મુંબઈ,
આગામી ૧૫ સપ્ટેમ્બરથી રમનારા એશિયા કપ ટુર્નામેન્ટ માટે ભારતીય ટીમનું સિલેકશન કરવામાં આવ્યું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા એશિયા કપ માટે ૧૬ સભ્યોની ટીમનું એલાન કરવામાં આવ્યું છે.
આ ટીમમાં વર્તમાન કેપ્ટન વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે, જયારે ટીમના સ્ફોટક ઓપનર બેટ્સમેન રોહિત શર્માને ટીમની કમાન સોપવામાં આવી છે. ૧૬ સભ્યોની ટીમમાં ખલીલ અહેમદ એક માત્ર નવો ચહેરો છે.
દુબઈ અને અબુધાબીમાં સંયુક્ત રીતે આયોજિત કરવામાં આવી રહેલા એશિયા કપનો પ્રારંભ ૧૫ સપ્ટેમ્બરના રોજથી થશે, જયારે ટુર્નામેન્ટની ફાઈનલ મેચ ૨૮ સપ્ટેમ્બરના રોજ રમાશે. આ ટુર્નામેન્ટમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનની ટીમો ભાગ લઇ રહી છે.
એશિયા કપમાં ભારતીય ટીમ પોતાનો પ્રથમ મુકાબલો ૧૮ સપ્ટેમ્બરના રોજ રમશે. ત્યારબાદ ૧૯ સપ્ટેમ્બરના રોજ કટ્ટર પ્રતિસ્પર્ધી પાકિસ્તાન સામે ભારતીય ટીમ ટકરાશે.
વર્કલોડના કારણે કોહલીને અપાયો આરામ
માનવામાં આવી રહ્યું છે કે, ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીના વર્કલોડના કારણે ટીમ સિલેકશન કમિટી દ્વારા તેઓને આરામ આપવામાં આવ્યો છે. ઈંગ્લેંડના કપરા પ્રવાસ પહેલા પણ કોહલી ગળામાં થયેલી ઈજાના કારણે ઈંગ્લેંડની કાઉન્ટી ક્રિકેટમાંથી બહાર થઇ ગયો હતો.
ભારત સૌથી વધુ ૬ વાર જીતી ચુક્યું છે એશિયા કપ
એશિયા કપની વાત કરવામાં આવે તો આ ટુર્નામેન્ટની શરૂઆત ૧૯૮૪માં શરુ કરવામાં આવી હતી. અત્યારસુધીમાં ભારતીય ટીમ સૌથી વધુ ૬ વાર ચેમ્પિયન બની ચુક્યું છે. આ પહેલા ૨૦૧૬માં પણ ભારતે યજમાન ટીમ બાંગ્લાદેશને હરાવી એશિયા કપ જીત્યો હતો. ભારત પછી શ્રીલંકા ૫, પાકિસ્તાન ૨ વાર એશિયા કપનું ચેમ્પિયન બની ચુક્યું છે.
ભારતીય ટીમ :
રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન (વાઈસ-કેપ્ટન), કે એલ રાહુલ, અંબાતી રાયડુ, મનીષ પાંડે, કેદાર જાધવ, એમ એસ ધોની (વિકેટકીપર), દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, યુજ્વેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, શાર્દુલ ઠાકુર, ખલીલ અહેમદ