મુંબઈ,
આગામી ૧૪ જૂનના રોજ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાનારી એક માત્ર ટેસ્ટ પહેલા ભારતીય ટીમને વધુ એક ઝટકો લાગ્યો છે. બેંગલુરુમાં રમાનારી ટેસ્ટ મેચ પહેલા ભારતના વિકેટકીપર બેટ્સમેન રિધ્ધિમાન સહા બાદ હવે ઝડપી બોલર મોહમ્મદ શામી પણ બહાર થઇ ગયો છે.
ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) દ્વારા મોહમ્મદ શામીની જગ્યાએ ઝડપી બોલર નવદીપ સૈનીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
BCCI દ્વારા જણાવ્યા અનુસાર, મોહમ્મદ શામી બેંગલુરુ સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં યો-યો ટેસ્ટમાં ફેલ થયો છે, જેના કારણે અફઘાનિસ્તાન વિરુધ રમાનારી ઐતિહાસિક ટેસ્ટ માટે બહાર થવું પડ્યું છે”.
અત્રે ઉલ્લેખનીય છે કે, બેંગલુરુમાં રમાનારી ટેસ્ટ મેચ પહેલા ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવેલા ખેલાડીઓનો યો યો ફિટનેશ ટેસ્ટ ૯ જૂનના કરવામાં આવ્યો હતો.
ભારતીય ટીમની ફિટનેસ ટેસ્ટ પાસ કરવા માટે યો યો ટેસ્ટ સ્કેલ બનાવવામાં આવી છે, જે ખેલાડીઓની ફિટનેસ અંગેનું વિશ્લેષણ કરતા હોય છે. ભારતની સિનીયર અને A ટીમ માટે યો યો ટેસ્ટ ફિટનેસ સ્કેલ ૧૬.૧ છે.
મોહમ્મદ શમીની જગ્યાએ ટીમમાં સમાવેશ કારવામાં આવેલા નવદીપ સૈનીએ દિલ્હીની રણજી તીન તરફથી રમતા ૯૬ વિકેટ ઝડપી છે, તેમજ IPLની ૧૧મી સિઝનમાં પણ RCBની ટીમે ૩ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, પરંતુ તેને એક પણ મેચ રમવાની તક મળી ન હતી.