નવી દિલ્હી,
જયારે ભારતીય ટીમનો બેટ્સમેન કોઈ ખેલાડી ખાસ રેકોર્ડ બનવે છે, ત્યારે તેની સાથે ભારતના પૂર્વ કેપ્ટન એમ એસ ધોનીનું કનેક્શન હોય છે. આ ખેલાડીઓમાં યુવરાજ સિંહ, માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર, વર્તમાન ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી હોય કે રોહિત શર્મા હોય, પરંતુ જયારે પણ આ ખેલાડીઓને કોઈ ખાસ રેકોર્ડ બનાવ્યો છે, ત્યારે તેઓ સાથે ધોની બેટિંગ કરી રહ્યો હતો અને સૌથી પહેલી શુભકામનાઓ પણ ધોનીએ જ આપી હતી.
૧. વિરાટ કોહલીના ફાસ્ટેસ્ટ ૧૦,૦૦૦ રન
બુધવારે વેસ્ટ ઇન્ડીઝ સામે રમાયેલી બીજી વન-ડે મેચમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ વર્લ્ડ ક્રિકેટમાં સૌથી ઝડપી ૧૦,૦૦૦ રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે અને સચિન તેંડુલકરને પાછળ છોડ્યા છે. જો કે આ દરમિયાન પણ જયારે કોહલીએ આ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો ત્યારે બીજા છેડા પર એમ એસ ધોની ઉપસ્થિત હતો.
૨. યુવરાજ સિંહનો ૬ બોલમાં ૬ સિક્સરનો રેકોર્ડ
ભારતીય ટીમના સિક્સર કિંગ કહેવાતા યુવરાજ સિંહે જયારે ૧૯ સપ્ટેમ્બર, ૨૦૦૭ના રોજ ડરબનમાં ટી-૨૦ વર્લ્ડકપની મેચમાં ઈંગ્લેંડની સામે ૬ બોલમાં ૬ સિક્સર ફટકારી હતી.
યુવરાજે ઈંગ્લેંડના ઝડપી બોલર સ્ટુઅર્ટ બ્રોડની ૧૯મી ઓવરમાં ૬ સિક્સર ફટકારવાની સાથે જ માત્ર ૧૨ બોલમાં ફિફ્ટી બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. આ ખાસ પળનો પહેલો સાક્ષી એમ એસ ધોની જ હતો.
૩. સચિન તેંડુલકરના ૨૦૦ રન
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બન્યા હતા. તેઓએ ૨૪ ફેબ્રુઆરી, ૨૦૧૦ના રોજ ગ્વાલિયરમાં સાઉથ આફ્રિકા સામે ૨૦૦ રન બનાવ્યા હતા. જોગાનુજોગ આ સમયે પણ ધોની સામેના છેડે બેટિંગ કરી રહ્યો હતો અને સચિનને સૌથી પહેલા શુભકામનાઓ આપી હતી.
૪. રો-હિટ શર્માની પ્રથમ બેવડી સદી
ભારતીય ટીમના ઓપનર બેટ્સમેન રોહિત શર્માએ ૨ નવેમ્બર, ૨૦૧૩ના રોજ ઓસ્ટ્રેલિયા સામે પોતાના વન-ડે કેરિયરની પ્રથમ બેવડી સદી ફટકારી હતી. માત્ર ૧૫૮ બોલમાં ૧૨ ચોક્કા અને ૧૬ સિક્સર સાથે ૨૦૯ રન બનાવ્યા હતા. જો કે આ સમયે પણ ધોની મેદાનમાં સામેના છેડે બેટિંગ કરી રહ્યો હતો અને રોહિતને સૌથી પહેલા શુભેચ્છા આપી હતી.