મેલબર્ન,
મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહેલી ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેની ત્રીજી ટેસ્ટ રોમાંચક મુડમાં જોવા મળી રહી છે. ભારતે પોતાની પ્રથમ ઇનિગ્સ ૭ વિકેટના ૪૪૩ રનના સ્કોરે ડિક્લેર કરી હતી, ત્યારબાદ ભારતીય ટીમના ઝડપી બોલર જસપ્રીત બુમરાહની ધાતક બોલિંગ સામે કાંગારું બેટ્સમેન ઢેર થયા હતા અને માત્ર ૧૫૧ રનમાં ટીમ સમેટાઈ ગઈ છે.
જો કે ત્રીજી ટેસ્ટમાં ૬ વિકેટ ઝડપવાની સાથે જ બુમરાહે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
મેલબર્ન ટેસ્ટમાં બુમરાહે કાંગારું બેટ્સમેન શોન માર્શને આઉટ કરવાની સાથે જ ઈતિહાસ રચી દીધો છે. જસપ્રીત બુમરાહ એક એવો બોલર બની ગયો છે, જેઓએ પોતાના ડેબ્યુ કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ ૪૫ વિકેટ હાંસલ કરી છે.
આ સાથે જ બુમરાહે પૂર્વ ભારતીય બોલર દિલીપ દોશીનો ૩૯ વર્ષ જૂનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ પહેલા દોશીએ ૩૯ વર્ષ પહેલા ૧૯૭૯માં એક વર્ષમાં ૪૦ વિકેટ ઝડપી હતી.
૨૫ વર્ષીય બુમરાહે ૫ જાન્યુઆરીના રોજ કેપટાઉનમાં દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી ટેસ્ટ મેચથી ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ અત્યારસુધીમાં રમેલી ૯ ટેસ્ટમાં બુમરાહે ૪૫ વિકેટ ઝડપી છે.
આ ઉપરાંત ભારતીય ટીમે પણ એક રેકોર્ડ બનાવ્યો છે. આ વર્ષમાં ભારતના બોલરોએ ટેસ્ટ ક્રિકેટમાં કુલ ૨૫૨ વિકેટ ઝડપી છે. આ સાથે જ ટીમ ઇન્ડિયાએ પોતાનો જ ૩૯ વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. આ પહેલા ૧૯૭૯માં ટેસ્ટમાં ભારતીય બોલરોએ કુલ ૨૪૯ વિકેટ ઝડપી હતી.