મુંબઈ,
બોલ ટેમ્પરિંગ વિવાદમાં સપડાયેલા ઓસ્ટ્રેલિયાના ખેલાડી સ્ટિવન સ્મિથને રાજસ્થાન રોયલ્સ દ્વારા ટીમના કેપ્ટનપદેથી હટાવ્યા બાદ ટીમમાંથી પણ એક વર્ષ માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. ત્યારે હવે સ્મિથની જગ્યાએ દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર બેટ્સમેન હેનરિક ક્લાસેનનો સમાવેશ કરવામાં આવ્યો છે. BCCI દ્વારા સોમવારે ક્લાસેન ટીમમાં સમાવવા અંગે ઘોષણા કરવામાં આવી હતી.
BCCI દ્વારા પોતાના નિવેદનમાં જણાવવામાં આવ્યું કે, “સ્મિથના સ્થાને દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર બેટ્સમેન હેનરિક ક્લાસેનને ૫૦ લાખ રૂપિયામાં રજીસ્ટર એન્ડ અવેલેબલ પ્લેયર પૂલ (આરએપીપી) મુજબ રાજસ્થાનની ટીમમાં સમાવેશ કરાયો છે”.
આફ્રિકન ક્રિકેટર ક્લાસેને તાજેતરમાં જ ભારત વિરુધ રનાયેલી વન-ડે મેચ સાથે પોતાના આંતરરાષ્ટ્રીય કેરિયરની શરૂઆત કરી હતી. આ ઉપરાંત ભારત સામે જ ત્રણ ટી-૨૦ મેચની શ્રેણીથી પોતાના ટી-૨૦ કેરિયરની પણ શરૂઆત કરી હતી.
મહત્વનું છે કે, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન સામે આવેલા બોલ ટેમ્પરિંગ વિવાદમાં કથિત રીતે સામેલ થયેલા સ્ટિવ સ્મિથ પર ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ એક વર્ષનો પ્રતિબંધ મુક્યો હતો. જો કે ત્યારબાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવતા IPL-૧૧મી સિઝનમાં રમવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.