બેંગલુરુ,
બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લીગ મેચમાં રાજસ્થાન રોયલ્સની ટીમે ૧૯ રને રોમાંચક વિજય મેળવ્યો છે. હાઈ સ્કોરિંગ મેચમાં રાજસ્થાન દ્વારા આપવામાં આવેલા ૨૧૮ રનના વિશાળ ટાર્ગેટ સામે યજમાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ ૨૦ ઓવરમાં ૧૯૮ રન બનાવી શકી હતી અને RRની ટીમે ટુર્નામેન્ટની બીજો વિજય હાંસલ કર્યો હતો.
રાજસ્થાન રોયલ્સના શાનદાર વિજયના હિરો મિડલ ઓર્ડર બેટ્સમેન સંજુ સેમસન અને સ્પિન બોલર શ્રેયસ ગોપાલ રહ્યા હતા પરંતુ સૈમસનની ૯૨ રનની મેચ વિનિંગ ઇનિંગ્સ બદલ તેને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી રાજસ્થાન રોયલ્સની ટીમે ૨૦ ઓવરમાં ૪ વિકેટના નુકશાને ૨૧૭ રનનો વિશાળ સ્કોર ખડકયો હતો. રાજસ્થાન તરફથી કેપ્ટન અજીન્ક્ય રહાને અને ઓપનર ડાર્સી શોટની જોડીએ પ્રથમ વિકેટ માટે ૪૯ રન જોડ્યા હતા. રહાનેએ ૨૦ બોલમાં ૩૬ રન બનાવ્યા હતા.
જો કે ત્યારબાદ મેદાને આવેલા મિડલ ઓર્ડર બેટ્સમેને સંજુ સેમસને RCBના બોલરોની ચારેબાજુ ધુલાઇ કરતા માત્ર ૪૫ બોલમાં ૯૨ રન બનાવી અણનમ રહ્યો હતો. ૯૨ રનની શાનદાર ઇનિંગ્સમાં સેમસને ૧૦ સિક્સર અને ૨ ચોક્કા ફટકાર્યા હતા.
જયારે ઓલરાઉન્ડર ખેલાડી બેન સ્ટોક્સે ૨૭ અને વિકેટકીપર બેટ્સમેન જોશ બટલરે ૧૪ બોલમાં ૨૩ રન ફટકાર્યા હતા. RCBની ટીમ તરફથી ઝડપી બોલર ક્રિશ વોક્સ અને સ્પિનર યજુવેન્દ્ર ચહલે અનુક્રમે ૨-૨ વિકેટ ઝડપી હતી.
RR દ્વારા આપવામાં આવેલા ૨૧૮ રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરતા બેંગ્લોરની ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને સ્ફોટક ઓપનર બેટ્સમેન બ્રેન્ડન મેકકુલ્લમન માત્ર ૪ રન નોધાવી પેવેલિયનમાં ભેગો થયો હતો. જયારે વિકેટકીપર બેટ્સમેન ડી કોકે ૨૬ રન બનાવ્યા હતા.
RCB ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ શાનદાર અડધી સદી ફટકારી હતી પરંતુ તે ટીમને વિજય અપાવી શક્યો ન હતો. કોહલી ૩૦ બોલમાં ૫૭ રન બનાવી સ્પિનર શ્રેયસ ગોપાલનો શિકાર બન્યો હતો. જો કે ત્યારબાદ મનદીપ સિંહે ૨૫ બોલમાં ૪૭ રનની તુફાની ઇનિંગ્સ રમી હતી પરંતુ તે ટીમના વિજય માટે જરૂરી સ્કોરને વટાવી શક્યો ન હતો. રાજસ્થાન તરફથી સ્પિન બોલર શ્રેયસ ગોપાલે ૨ વિકેટ ઝડપી હતી જયારે ઝડપી બોલર ગૌતમ, બેન સ્ટોક્સે અનુક્રમે ૧-૧ વિકેટ ઝડપી હતી.