હૈદરાબાદ,
હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લીગ મેચમાં યજમાન સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે ૯ વિકેટે એકતરફી વિજય મેળવ્યો છે. રાજસ્થાન રોયલ્સ દ્વારા આપવામાં આવેલા ૧૨૬ રનના આશાન ટાર્ગેટને માત્ર ૧૫.૫ ઓવરમાં વટાવી હૈદરાબાદની ટીમે શાનદાર વિજય મેળવ્યો હતો.
સનરાઈઝર્સ હૈદરાબાદના શાનદાર વિજયનો હીરો ઓપનર બેટ્સમેન શિખર ધવન રહ્યો હતો. ભારતીય ટીમમાં ગબ્બરના નામથી પ્રખ્યાત થયેલા ધવને ૧૩ ચોક્કા અને ૧ સિક્સરની મદદથી ૫૭ બોલમાં ૭૭ રનની મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી અને તેને મેન ઓફ ધ મેચ પણ જાહેર કરાયો હતો.
પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી રાજસ્થાન રોયલ્સની ટીમ ૨૦ ઓવરમાં ૯ વિકેટના નુકશાને માત્ર ૧૨૫ રન બનાવી શકી હતી. રાજસ્થાની તરફથી નવનિયુકત કેપ્ટન અજીન્ક્ય રહાણે માત્ર ૧૩ રન બનાવી ઝડપી બોલર સિદ્ધાર્થ કોલનો પ્રથમ શિકાર બન્યો હતો. જો કે ત્યારબાદ વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસન ૪૨ બોલમાં ૪૯ રન નોધાવી શક્યો હતો. સેમસન સિવાય રાજસ્થાનનો કોઈ પણ બેટ્સમેન હૈદરાબાદની બોલિંગ સામે ટકી શક્યા ન હતા. SRHની ટીમ તરફથી ઝડપી બોલર સિદ્ધાર્થ કોલ અને સ્પિનર સાકિબ ઉલ હસને અનુક્રમે ૨-૨ વિકેટ ઝડપી હતી.
રાજસ્થાન રોયલ્સ દ્વારા આપવામાં આવેલા ૧૨૬ રનના ટાર્ગેટનો પીછો કરતા હૈદરાબાદની ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને ઓપનર બેટ્સમેન રિધ્ધિમાન સહા માત્ર ૫ રન બનાવી ઝડપી બોલર જયદેવ ઉનડકટનો પ્રથમ શિકાર બન્યો હતો. ત્યારબાદ સ્ફોટક ઓપનર બેટ્સમેન અને કેપ્ટન કેન વિલિયમ્સનની જોડીએ બીજી વિકેટ માટે ૧૨૧ રનની ભાગીદારી નોધાવી હતી અને ટીમને ૯ વિકેટે આશાન વિજય અપાવ્યો હતો. શિખર ધવને ૫૭ બોલમાં ૭૭ રન બનાવ્યા હતા જયારે વિલિયમ્સને પણ ધવનનો સાથ આપતા અણનમ ૩૬ રન ફટકાર્યા હતા.