લંડન,
ભારત અને ઈંગ્લેંડ વચ્ચે રમાઈ રહેલી પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની બીજી ટેસ્ટ મેચ ગુરુવારથી લોર્ડ્સના મેદાન પર રમાશે. ક્રિકેટના મક્કા કહેવાતા લોર્ડ્સના ગ્રાઉન્ડ પર રમાનારી બીજી મેચમાં ભારતીય ટીમ આ મેચ જીતવાના ઈરાદાથી જ મેદાનમાં ઉતરશે. ભારતીય સમય અનુસાર, આ મેચ ૩.૩૦ વાગ્યે શરુ થશે. આ પહેલા બર્મિઘમમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતનો ૩૧ રને પરાજય થયો હતો.
ભારતીય ટીમ ૫ મેચની શ્રેણીમાં પહેલેથી જ ૦-૧થી પાછળ ચાલી રહી છે, ત્યારે આ મેચમાં કેપ્ટન વિરાટ કોહલી પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર કરી શકે છે અને શ્રેણી સરભર કરવાના ઈરાદાથી જ મેદાનમાં ઉતરશે.
જયારે પહેલેથી બર્મિઘમ ટેસ્ટમાં જીત મેળવી શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી ચુકેલી યજમાન ટીમ આ મેચ પણ જીતીને સીરીઝમાં પોતાની લીડ ૨-૦ સુધી વાધારવાનો પ્રયાસ કરશે.
પ્લેઇંગ ઇલેવનમાં થઇ શકે છે ફેરફાર
પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમના બોલરોનું પ્રદર્શન સારું રહ્યું હતું, પરંતુ કેપ્ટન વિરાટ કોહલી સિવાય અન્ય કોઈ બેટ્સમેન ક્રિઝ પર ટકી શક્યો ન હતો. ત્યારે હવે ઓપનર બેટ્સમેન શિખર ધવનની જગ્યાએ ચેતેશ્વર પુજારાનો સમાવેશ કરવામાં આવી શકે છે.
આ ઉપરાંત લોર્ડ્સની વિકેટ સ્પિનરોને વધુ મદદ કરતી હોવાની આશાએ ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાને પણ ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે, પંડ્યાની જગ્યાએ રવીન્દ્ર જાડેજા કે ચાઈનામેન્ટ બોલર કુલદીપ યાદવનો સમાવેશ કરાઈ શકે છે. મહત્વનું છે કે, પ્રથમ ટેસ્ટમાં હાર્દિક પંડ્યા બેટ અને બોલ દ્વારા પોતાનું શાનદાર પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો હતો.
લોર્ડ્સમાં ભારત V/S ઈંગ્લેંડ
ભારત અને ઈંગ્લેંડ વચ્ચે લોર્ડ્સના ગ્રાઉન્ડમાં અત્યારસુધીમાં કુલ ૧૭ ટેસ્ટ મેચ રમાઈ છે. આ ૧૭ મેચોમાં ૧૧માં યજમાન ટીમનો વિજય થયો છે. જયારે માત્ર ૨ મેચમાં ભારતીય ટીમ જીતી શકી છે અને ૪ મેચ ડ્રો રહી છે.
મહત્વનું છે કે, ચાર વર્ષ પહેલા ૨૦૧૪માં લોર્ડ્સમાં રમાયેલી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમનો શાનદાર વિજય થયો હતો. આ મેચમાં મિડલ ઓર્ડર બેટ્સમેન અજીન્ક્ય રહાનેએ સદી ફટકારી હતી. જયારે મુરલી વિજય અન ઝડપી બોલર ઇશાંત શર્માએ પોતાની ટીમ માટે મહત્વનું યોગદાન આપ્યું હતું.