નવી દિલ્હી,
ક્રિકેટમાં ઇતિહાસમાં ૧૫ નવેમ્બરનો દિવસ ખુબ મહત્વનો માનવામાં આવે છે, કારણ કે આ દિવસ સાથે ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરનો એક મહાસંયોગ છે.
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર માટે ૧૫ નવેમ્બરનો દિવસ ખાસ છે, કારણ કે આ જ દિવસે આજથી લગભગ ૨૯ વર્ષ પહેલા તેઓએ પોતાના આંતરરાષ્ટ્રીય કેરિયરની શરૂઆત કરી હતી તેમજ આ જ દિવસે ૨૪ વર્ષ બાદ એટલે કે ૧૫ નવેમ્બર, ૨૦૧૩ના રોજ પોતાની અંતિમ ટેસ્ટ રમી હતી.
૧૫ નવેમ્બર, ૧૯૮૯ના રોજ સચિન તેંડુલકરે માત્ર ૧૬ વર્ષ ૨૦૫ દિવસના એક છોકરાએ કરાચીના નેશનલ સ્ટેડિયમમાં ટેસ્ટમાં પ્રદાર્પણ કર્યું હતું.
આ સાથે જ સચિન તેંડુલકરે મુશ્તાક મોહમ્મદ અને આકિબ જાવેદ પછી સૌથી નાની ઉંમરે ડેબ્યુ કરનાર ત્રીજા ક્રિકેટર બન્યા હતા.
આ સમયે દુનિયાએ વિચાર્યું નહિ હોય કે, આ છોકરો એક દિવસ “ક્રિકેટના ભગવાન” કહેવાશે.
સચિન તેંડુલકરના ટેસ્ટ ડેબ્યુ પછી જોવામાં આવે તો, ત્યારબાદ તેઓએ ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં સચિને ૨૦૦ મેચમાં ૫૩.૭૮ના એવરેજથી ૧૫૯૨૧ રન બનાવ્યા હતા. જેમાં તેઓએ ૫૧ સદી અને ૬૮ ફિફ્ટી ફટકારી હતી.
પાકિસ્તાન સામેની પોતાની પ્રથમ ટેસ્ટમાં સચિન તેંડુલકરે ૨૪ બોલનો સામનો કર્યો હતો અને એમાં ૩૩ રન બનાવ્યા હતા.
૨૪ વર્ષ બાદ ૧૫ નવેમ્બરને એક મહાસંયોગ માનવામાં આવ્યો, કારણ કે ૨૦૧૩માં આ જ દિવસે તેઓએ પોતાની અંતિમ ઇનિંગ્સ રમી હતી.
વેસ્ટ ઇન્ડીઝ સામે રમાયેલી અંતિમ ટેસ્ટમાં ૧૪ નવેમ્બરના રોજ સચિને ૭૪ રન બનાવ્યા હતા અને ત્યારબાદ બીજા જ દિવસે ભારતીય ટીમને મળેલી શાનદાર જીત સાથે તેઓએ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો.