એક તરફ ગુજરાતના સત્તાધીશો ગુજરાતમાં 20 વર્ષના વિકાસની ગાથા ગાતા વંદે ગુજરાત વિકાસ યાત્રા શરૂ છે જેમાં છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચ્યો હોવાની વાતો કરવામાં આવે છે પરંતુ ભાવનગરમાં વિકાસની વાતો માત્ર શબ્દોમાં થતી હોય તેવું લાગી રહ્યું છે. કારણકે ભાવનગર જિલ્લાનાં ઘોઘા તાલુકાનાં દરિયાઈ પટ્ટી પર આવેલા સેંકડો ગામોમાં એસટી બસની પર્યાપ્ત સેવા ઉપલબ્ધ નથી. જેના કારણે ભાવનગર એસટી ડેપો મથકે વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો અને સેવા શરૂ કરવા ઉગ્ર માગ કરી હતી.
ભાવનગર શહેરથી માત્ર 20 થી 30 કિલોમીટરમાં આવેલ ઘોઘા તાલુકાનાં લાખણકા, હાથબ, કોળીયાક, કૂડા, મિઠીવિરડી, થળસર સહિતના અનેક અંતરિયાળ ગામડાઓમાં એસટી બસની અપૂરતી સેવાઓ છે. જેને પગલે આ ગામડાઓમાં વસતાં લોકો તથા વિદ્યાર્થીઓને બમણાં ભાડા ચુકવવી ખાનગી વાહનોમાં મુસાફરી કરવા મજબૂર થવું પડે છે. ત્યારે સમયસર સારી સેવા પ્રદાન કરવાની માંગ સાથે આ ગામોના વિદ્યાર્થીઓ દ્વારા બસ્ટેન્ડમા સૂત્રોચ્ચાર કર્યો હતો. ખાનગી વાહનચાલકો તેની મનમાની કરતા હોય છે જેના કારણે મુસાફરોને હેરાન પરેશાન થવું પડે છે. ઉપરાંત વિદ્યાર્થીનીઓની સુરક્ષા બાબતે પણ અનેક પ્રશ્ન ઉભા થાય છે. જો એસટી વિભાગ દ્વારા આ રૂટની બસની વ્યવસ્થા કરવામાં આવે તો અનેક વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓની મુસાફરીની સમસ્યામાં રાહત મળી શકે છે.