રાજ્યભરમાં 29 ઓક્ટોબર એટલે કે, લાભપાંચમથી 90 દિવસ સુધી મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે વર્ષ 2022-23માં પ્રાઇઝ સપોર્ટ સ્કીમ-PSS હેઠળ ખરીદીનો પ્રારંભ કરવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ખેડૂત હિતલક્ષી મહત્વનો નિર્ણય કરાયો છે. આની જાહેરાત કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા કરવામાં આવી છે.
કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ ખરીફ વર્ષ 2022-23 માટે મગફળીનો ટેકાનો ભાવ રૂ.5,850, મગનો રૂ.7,755, અડદનો રૂ.6,600 અને સોયાબિનનો રૂ.4,300 પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે. ખરીફ 2022-23માં ગુજરાતમાં મગફળીના 9,79,000 મે.ટન, મગના 9,588 મે.ટન, અડદના 23,872 મે.ટન અને સોયાબિનના 81,820 મે.ટન જથ્થાની ટેકાના ભાવે ખરીદી કરવા કેન્દ્ર સરકાર દ્વારા સમયસર મંજૂરી આપવામાં આવી છે.
આ અંતર્ગત ખરીફ 2022-23માં મગફળીની ટેકાના ભાવે ખરીદીની રૂ.5729 કરોડ, મગ પાકની રૂ.76 કરોડ, અડદ પાકની રૂ.158 કરોડ અને સોયાબીન પાકની રૂ.352 કરોડ મૂલ્ય મળી અંદાજિત કુલ રૂ.6315 કરોડની ખેડૂતો પાસેથી સીધી ટેકાના ભાવે ખરીદી માટેનું આયોજન હાથ ધરવામાં આવ્યં છે. જેનો રાજ્યના અંદાજિત 3.50 લાખ ખેડૂતોને લાભ મળશે.
મંત્રીએ જણાવ્યું હતું કે, ખેડૂતોના હિતને ધ્યાને રાખી ખરીફ ઋતુમાં મગફળી, મગ, અડદ અને સોયાબીન પાકનું ટેકાના ભાવે રાજ્યમાં વિવિધ 160 ખરીદ કેન્દ્રો પરથી ખરીદી કરવાનું સઘન આયોજન કરાયું છે. ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે સેન્ટ્રલ નોડલ એજન્સીને મદદરૂપ થવા રાજ્ય નોડલ એજન્સી તરીકે ગુજકોમાસોલની નિમણૂંક કરવામાં આવી છે. નોંધણી થયેલ ખેડૂતોને ક્રમાનુસાર SMS દ્વારા અથવા ટેલીફોનીક જાણ કરવામાં આવશે. જાણ કરાયેલા ખેડૂતોએ નિયત ખરીદ કેન્દ્ર ખાતે પોતાની જણસના ટેકાના ભાવે વેચાણ માટે હાજર રહેવાનું રહેશે. વેચાણ કરેલ જણસનું ખેડૂતોને ચૂકવણું સીધુ તેમના ખાતામાં જમા કરવામાં આવશે.
લાભપાંચમ, તા.૨૯ ઓકટોબર-૨૦૨૨થી કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા મુહૂર્ત સ્વરૂપે રાજકોટ ખાતે સમગ્ર રાજ્યમાં મગફળી, મગ, અડદ અને સોયાબીન પાકનું ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરવામાં આવશે.