રાજ્યભરમાં ડે વાવાઝોડાના કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે ખેડબ્રહ્મા માં ભારે વરસાદના કારણે હરણાવ નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. અચાનક નદીમાં પૂર આવતા 11 વ્યક્તિઓ નદીમાં ફસાયા હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે.
ડે વાવાઝોડાના કારણે ગુજરાત ભરમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેના અંતર્ગત શનિવારે સાંજથી જ રાજ્યમાં વરસાદી માહોલ છવાઈ ગયો હતો. જેમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો. આવી જ પરિસ્થિતિ આજે પણ યથાવત રહી છે.
આ દરમિયાનમાં સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે આજે કેટલાક લોકો એક વ્યક્તિની દફન વિધિ માટે હરણાવ નદીના પટમાં ગયા હતા. ત્યારે અચાનક ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે આ લોકો દફન વિધિ કરી રહ્યા હતા, તે સમયે અચાનક નદીમાં પૂર આવતા, આ પૈકીના 11 વ્યક્તિઓ પાણીમાં ફસાઈ ગયા હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે.
આ અંગે તાત્કાલિક પણે સ્થાનિક વહીવટી તંત્રને જાણ કરવામાં આવી હતી, જેના કારણે ઈડર ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અને આ ફાયર બ્રિગેડના કાફલાએ પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા માટેની કામગીરી હાથ ધરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ ઇડર નગર પાલિકાની ફાયર બ્રિગ્રેડની ટીમ તેમને બચાવવા માટે પહોંચી ગઈ છે. કારણ કે, ખેડબ્રહ્મા નગર પાલિકાના ચીફ ઓફિસર ઇમરજન્સી હોવા છતા ગેરહાજર હોવાથી ઇડરની ટીમે આવવાની ફરજ પડી હતી.