પેટ્રોલ ડીઝલના વધતા ભાવને કારણે કોંગ્રેસ તરફથી આપવામાં આવેલા ભારત બંધના એલાનને પગલે અમરેલીના ધારાસભ્ય અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી પોતાના વિસ્તારમાં દુકાનો અને સ્કૂલો બંધ કરાવવા માટે નીકળ્યા હતા.
મહત્વનું છે કે ધાનાણીએ બે હાથ જોડી ને પોતાના વિસ્તારના લોકોને બંધમાં સહકાર આપવા વિનંતી કરી હતી. જોકે, આ દરમિયાન ઘણા લોકોએ પરેશ ધાનાણી સાથે દલીલો પણ કરી હતી. અમરેલીના ધારાસભ્ય પોતાના વિસ્તારની એક સ્કૂલમાં પહોંચ્યા હતા. જ્યાં એમણે વિદ્યાર્થીઓને બંધ પાળવા માટે સમજાવ્યા હતા.
ધાનાણીએ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતા જણાવ્યું કે આજે આખો દેશ બંધ છે, ત્યારે તમે એક રૂમમાં પુરાઈ રહ્યા છો. બધે હડતાળ છે. તમે યુવાધન છો, તમે ટેકો નહિ આપો, તો કોણ આપશે. તમે એક દિવસ રજા રાખો, એટલે ઊંઘતી સરકારને ખબર પડે. અને પેટ્રોલ ડીઝલની કિંમતો ઓછી થાય.
વિરોધ પક્ષના નેતા ધાનાણીએ વ્યવસાયિકોને બે હાથ જોડી વિનંતી કરતા જણાવ્યું કે બધા સહકાર આપો, આખો દેશ લૂંટાઈ ગયો છે. ત્રણ વાગ્યા સુધી થોડો સહકાર આપો. ભાવ ઘટશે તો બધાને ફાયદો થશે. આખો દેશ અટકી ગયો છે. બધાને બે હાથ જોડીને વિનંતી.
આ દરમિયાન ઘણા લોકોએ દલીલ કરી હતી કે 2013ના વર્ષમાં પણ પેટ્રોલનો ભાવ 84 રૂપિયા હતો. જેના જવાબમાં ધાનાણીએ કહ્યું કે 73 રૂપિયા ઉપર પેટ્રોલનો ભાવ ક્યારે પણ નથી ગયો. તમારે દુકાન ખુલ્લી રાખવી હોય, તો રાખો. તમે 80 રૂપિયાનું પેટ્રોલ પુરાવો, અમને વાંધો નથી. અમે વિનંતી કરવા આવ્યા છીએ.