રાજ્યમાં ખેડુતોને શાકભાજીના પુરતા ભાવો નહીં મળતા તેમનો રોષ ફાટી નીકળ્યો હતો. ખેડૂતોને શાકભાજીના પૂરતા ભાવ ન મળતા શુક્રવારે મોટી સંખ્યામાં ખેડૂતોએ ભાવનગર હાઇવે પર અનોખો વિરોધ કર્યો હતો. ભાવનગર હાઇવે પર મહિકા ગામના પાટિયા પાસે રોષે ભરાયેલા ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને શાકભાજી રસ્તા પર ફેંકી હતી.
મહિકા ગામ પાસેના હાઇ વે પર ખેડુતો ટ્રેક્ટર અને ટ્રોલીમાં શાકભાજી ભરીને આવ્યા હતા. ખેડુતોએ સરકાર વિરૂધ્ધ નારાબાજી કરીને રસ્તા પર શાકભાજી ફેંકી હાઇ-વે પર ચક્કાજામ કર્યો હતો. તેમજ રસ્તા પરના ખાડા પણ શાકભાજીથી બૂરી દીધા હતા.
રોષે ભરાયેલા ખેડૂતોએ જણાવ્યું હતું કે, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ખેડૂતોની મશ્કરી કરે છે. આ સરકાર લઠ્ઠાકાંડમાં મરી જાય એને 4 લાખ આપે છે જ્યારે ખેડૂતોને મૃત્યુ બાદ બાદ 2 લાખ આપવાની વાત સરકાર કરે છે.
ખેડૂતો આક્રમક બનતા પોલીસ કાફલો દોડી ગયો હતો અને મહામહેનતે સમજાવટથી ખેડૂતોને શાંત કરી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો.