હજારો કરોડના બિટકોઈન કૌભાંડ માં બીજા નંબરના સૂત્રધાર દિવ્યેશ દરજી ના ચાર વોલેટમાંથી એક વોલેટ જેના વિશેની દિવ્યેશે સાચી માહિતી આપી ન હતી. જેથી તે વોલેટ ખુલતું ન હતું. તેને ખોલવામાં સીઆઇડી ક્રાઇમની ટીમને સફળતા મળી છે. વોલેટમાં જે તે વખતે કરોડોની કિંમતના લાખો બિટકોઈન હાથ લાગ્યા છે. જેની હાલની કિંમત શૂન્ય છે, તેવું સીઆઇડી ક્રાઇમના રાજ્યના વડા આશિષ ભાટિયાએ જણાવ્યું હતું.
ભારત સહિત અનેક દેશોમાં બિટકોઈન કૌભાંડ કરી દુબઈ ભાગી છૂટેલા દિવ્યેશ દરજી, જેની દુબઇથી ભારત આવતા સાથે જ મુંબઇ એરપોર્ટ પરથી પોલીસે ધરપકડ કરી હતી. પોલીસની તપાસમાં એવી હકીકત સપાટી પર આવી હતી કે, દિવ્યેશ દરજીએ ચાર વોલેટ કાર્યરત કરી જે તે સમયે એક બિટકોઈન ની કિંમત 400 ડોલર હતી તે વખતે કરોડો રૂપિયાની કિંમતના લાખો બિટકોઈન એકત્ર કર્યા હતા. આ ચાર વોલેટમાંથી ત્રણના પાસવર્ડ દિવ્યેશે સાચા આપ્યા હતા પણ એક વોલેટનો પાસવર્ડ સાચો આપ્યો ન હતો.
પાસવર્ડ ખોટો આપવાના કારણે વોલેટ ખોલવા માટે પોલીસને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. એવા સંજોગોમાં સીઆઇડી ક્રાઇમની ટેક્નિકલ ટીમે ભારે મહેનતના અંતે આ વોલેટ ખોલી નાખ્યું હતું. જેમાંથી લાખો બિટકોઈન પોલીસને હાથ લાગ્યા હતા. આ બાબતે સીઆઇડી ક્રાઇમના વડા આશિષ ભાટિયાનો સંપર્ક કરતા તેમણે કહ્યું હતું કે જે તે સમયે કરોડોની કિંમતના ગણાતા લાખો બિટકોઈન હાથ લાગ્યા છે પરંતુ હાલમાં આ બિટકોઈનની કિંમત ઝીરો છે. કારણ કે હાલ બિટકોઈન ની લેવડ દેવડ થઈ શકતી નથી.