ઘર ઘર શૌચાલયનું સૂત્ર આપી જે પરિવારના ઘરે શૌચાલય નથી એવા પરિવારોને સરકાર શૌચાલય આપી રહી છે. ત્યારે ખેરગામ ગ્રામ પંચાયતમાં પણ શૌચાલય ની ફાળવણી કરવામાં આવી હતી. જોકે ખેરગામ ગ્રામપંચાયત માં 100 ટકા શૌચાલય બની ગયા હોવાનો રિપોર્ટ ખેરગામ તાલુકા પંચાયતમાંથી સરકારમાં આપી સન્માન પત્ર પણ મેળવી લીધું છે.
જ્યારે હકીકત કઈક અલગ જ છે. અને ખેરગામ ગ્રામ પંચાયત માં આવતા ઘણા પરિવારો હજુ પણ આ શૌચાલયની સુવિધાથી વંચિત છે. જયારે શૌચાલયથી વંચિત પરિવારો એ આ અંગે અનેક વાર ગ્રામ પંચાયત સહિત અનેક જગ્યાએ રજુઆત કરી હોવા છતાં તેમને આજદિન સુધી લાભ મળ્યો નથી. તો બીજી બાજુ વહેલી સવારે મજૂરી કરવા જતાં આ પરિવારોને શૌચાલયના કારણે મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે.
ખેરગામ ગ્રામ પંચાયત ના સરપંચે પોતાને જે સન્માન કરવામાં આવ્યું છે. એ સ્વચ્છતા અને 2012 ના વર્ષમાં શૌચાલયો બન્યા હતા એનું છે, તેમ જણાવી પોતાનો બચાવ કરી લીધો હતો. જોકે હાલમાં પણ ઘણા શૌચાલયો બનાવવાના બાકી છે તેવું સરપંચે પણ કબૂલ કર્યું છે.
2012 ના વર્ષમાં જો 100 ટકા શૌચાલયો બની ગયા હોય, તો પછી હાલમાં શૌચાલય બાકી કેવી રીતે એવો એક પ્રશ્ન લોકો માં ઉઠી રહયો છે. ત્યારે પોતાની કામગીરી સારી બતાવવા સરકારમાં ખોટી માહિતી આપી સન્માન અપાવનાર અધિકારી સામે પણ પગલાં ભરાય તેવી લોકોમાં માંગ ઉઠી રહી છે.