શંકરસિંહ વાઘેલા ફરી એક વાર રાજનીતિના મેદાનમાં આવી ગયા છે. મંગળવાર સવારથી અટકળો વહેતી થઇ હતી કે શંકરસિંહ વાઘેલા એનસીપીમાં જોડાશે. ત્યારે હાલ, શંકરસિંહ બાપુએ પ્રેસ કોન્ફરન્સ કરીને આ મુદ્દે સ્પષ્ટતા કરી હતી.
વાઘેલાના સમર્થકો બાપુની મુલાકાતે પહોંચ્યા હતા. બાપુએ પીએમ મોદી પર પ્રહાર કરતા જણાવ્યું કે રૂપિયો ગગડે એ માટે પીએમ જવાબદાર છે. તેમજ પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારાથી સરકારે શરમમાં ડૂબી જવું જોઈએ. શંકરસિંહે આગળ જણાવ્યું કે સરકારે પોતાનો ટેક્સ કાપી જનતાને રાહત આપવી જોઈએ.
વાઘેલાએ સ્પષ્ટતા કરતા કહ્યું કે હું કોઈ પાર્ટીમાં જોડાઇશ એ ભ્રમમાં રહેશો નહિ. હું એનસીપી કે કોંગ્રેસનો સભ્ય નહિ બનું. જોકે, મળતી વિગતો મુજબ વાઘેલા NCP ના ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે, NCP લોકસભાની 2 ટિકીટ શંકરસિંહને ફાળવાશે.
રાહુલ ગાંધીનો ઉલ્લેખ કરતા બાપુએ જણાવ્યું કે હું રાહુલ ગાંધીને મળ્યો છું. અને પીએમ મોદીને માત્ર ત્રણ વખત મળ્યો છું. એમણે જણાવ્યું કે હું સત્તા છોડીને આવ્યો છું, જનવિકલ્પ માત્ર એક પ્રયોગ હતો.
બાપુએ દિલ્હીની મોદી સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે, દિલ્હી સરકાર માત્ર માર્કેટિંગ પર ચાલે છે, સરકારે ખેડૂતો સાથે અન્યાય કર્યો છે અને મોદી સરકાર કરેલા વાયદાના હિસાબો આપે.
શંકરસિંહ વાઘેલાએ મહત્વની જાહેરાત કરતા કહ્યું કે તેઓ લોકસભા 2019 ની ચૂંટણી લડશે.