ચોટીલા તાલુકાના દેવસર ગામે સિલીકાના કારખાનેદારના ધર્મપત્ની પાસે ખોટૂ બોલી રૂ. 1.89 લાખની મતાની ઉઠાંતરી કરનારા નોકરને પોલીસે ગણતરીની કલાકોમાં પકડી પાડી વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ ચોટીલા તાલુકાના દેવસર ગામે રહેતા મૂળ સોમનાથના વેળાવરના વતની સિસોદિયા મેર ખીમાભાઇ ભીમાભાઈને ત્યાં છેલ્લા ચારેક દિવસથી કામ કરતો મૂળ કચ્છના આદિપુરનો વિરેન ચંદ્રકાંતભાઇ દોશી શનિવારના વે બ્રીજના કામ પરથી બહાનું કાઢી શેઠનું બાઇક લઇને તેમના ઘરે જઇને તેમના પત્ની રંભાબેન પાસે ખોટૂ બોલી શેઠને પાર્ટી આવી છે.
બહાર જવાનું છે તેમ જણાવી સોનાની ઋદ્રાક્ષની માળા, બે વીટી, ઘડીયાળ, બે મોબાઇલ ફોન, એટીએમ અને કપડા લઈ ચોરી કરવાના ઇરાદે નાસી છુટ્યો હતો. જેણે એટીએમમાંથી 40000 રૂપિયા પણ ઉપાડી લઈ કુલ 1.89ની મતાની ચોરી કર્યાની ફરીયાદ ભોગ બનનારે નોંધાવી હતી.
ગણતરીના સમયમાં પીએસઆઈ એમ.કે.ગોસાઇએ આરોપીના મોબાઇલનું લોકેશન મેળવી કચ્છના આદિપુર ખાતેથી પકડી પાડી તેના મિત્રના ઘરે રાખેલ ઉઠાંતરી કરી હતી. એ તમામ મુદ્દામાલ રીકવર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં આરોપીએ તેના આર્થિક લાભ માટે વિશ્ર્વાસનો ગેર ફાયદો ઉઠાવ્યો હોવાનું કબુલ્યું છે.