દરેક વ્યક્તિને જીવનમાં ક્યારેકને ક્યારેક નબળા વિચાર આવતા હોય છે. મોટાભાગના લોકોને જીવનમાં એકાદવાર તો આપઘાતની ઈચ્છા થઈ જ આવે છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કરેલાં એક સ્ટડીમાં સામે આવ્યું છે કે દરવર્ષે દેશમાં 1.35 લાખ લોકો આત્યંતિક પગલું ભરી લે છે.
- 15થી 24 વર્ષના યુવાઓ સૌથી ટોચ પર
- 10 સપ્ટેમ્બર આપઘાત નિવારણ દિવસ
ઘણીવાર એવું કહેવું સહેલું છે કે સાવ નાની એવી બાબતમાં આત્મહત્યાનું પગલું ભરી લેવું ઠીક નથી. હા એ વાત સાચી છે કે કેટલીક વાર કેટલુંક દર્દ એવું હોય છે જે સહેવાય પણ નહીં અને કહેવાય પણ નહીં. હા, એ સ્વીકારવું જ રહ્યું કે કેટલીક પરિસ્થિતિમાં કોઈ રસ્તો દેખાતો જ નથી. પરંતુ અંતિમ સત્ય એ છે કે જો જીવન બાકી હશે તો તમે કોઈપણ પરિસ્થિતિને ઠીક કરવાનો એક અંતિમ પ્રયત્ન પણ કરી શકશો. પણ જો જીવન જ બાકી નહીં હોય તો? WHOના સહયોગથી 10મી સપ્ટેમ્બરે વિશ્વ આપઘાત નિવારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કરેલાં એક સ્ટડીમાં ચોંકાવનારું તારણ મળ્યું છે. દરવર્ષે વિશ્વભરમાં 8 લાખ લોકો આત્મહત્યા કરે છે જેમાંથી 1.35 લાખ તો માત્ર ભારતમાં જ આ પગલું ભરે છે. તેમાં 15થી 24 વર્ષના યુવાનો સૌથી વધુ માત્રામાં છે. એનાથી પણ વધુ ચોંકાવનારી વાત એ છે કે આપઘાતનો પ્રયત્ન કરીને બચી જનારાની સંખ્યા તો આનાથી 25 ગણી વધુ છે. વિચારો કેટલાં લોકોને દરવર્ષે આવું પગલું ભરવાની સ્થિતિનો સામનો કરવો પડતો હશે. જો કે આત્મહત્યાના વિચાર આવે તો સામનો કરવાના કેટલાંક સટીક ઉપાય છે.
આપઘાતનો વિચાર આવે ત્યારે
- આપઘાતની ઈચ્છા થાય ત્યારે સૌથી અંગત વ્યક્તિ સાથે વાત કરો
- બિલકૂલ એકલાં ન રહો, ખાસ વ્યક્તિને બોલાવો
- તમારા પોતાનાનું તમારા પછી શું એ વિચારો
- તબીબી સારવાર લો, શરમાઓ બિલકૂલ નહી
આપઘાત કરીને જીવ લીધાં પછી પરિવારના સભ્યો પર માત્ર આફત તૂટી પડે છે. એક અંતિમ પગલું અને પછી પરત ફરવાની કોઈ તક નહીં. જો તમારા વર્તૂળમાં કોઈપણ એવી વ્યક્તિ છે જેને તમે આવી પરિસ્થિતિમાં જૂઓ છો તો તુરંત તેની સાથે વાત કરો. તેને બહાર લઈ જાઓ. જરૂરી લાગે તો તબીબી કાઉન્સેલિંગ કરાવો. તેમના પ્રશ્નનો ઉકેલ લાવવાની કોશિશ કરવાની સાથે આપઘાત એટલે સમૂળગો અંત જ એ વાત ભારપૂર્વક સમજાઓ. તમે ન સમજાવી શકો તો સમજુ વ્યક્તિ પાસે લઈ જાઓ તે જરૂરી છે. આપઘાત કરવાની વાત જો કોઈ શેર કરે તો તેના પર કોઈપણ વાત થોપવાને બદલે તેની જ વાત શાંતિપૂર્વક સાંભળવું પણ એટલું જ જરૂરી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પણ એક આપઘાત નિવારણ કેન્દ્ર તૈયાર કર્યું છે. જ્યાં લોકોનું કાઉન્સેલિંગ કરવામાં આવશે. આશા છે કે આવા સામૂહિક પ્રયાસોથી અનેક જીવન બચી શકશે.
સાવધાન! / બે વર્ષનો પીયુષ રમતા-રમતા નાની ચેન, ટાંકણી અને સ્ક્રુ ગળી ગયો અને પછી…
માસૂમનું માતા સાથે મિલન / સોલા સિવિલમાંથી ગુમ થયેલી નવજાત આખરે સાત દિવસ બાદ મળી આવી