વિકાસ/ સુજલામ સુફલામ જળ અભિયાન : જાણો યોજના અને પાંચ વર્ષની ઉપલબ્ધિઓ વિશે

આ વર્ષે સતત પાંચમા વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાનની જ્વલંત સફળતાને પગલે જળસંગ્રહ ક્ષમતામાં ૨૪,૪૧૮ લાખ ઘન ફૂટ વધારો થયો છે.

Top Stories Gujarat Others
સુજલામ

મુખ્યમંત્રીએ ૧૯ માર્ચ ૨૦૨૨ના દિવસે ગાંધીનગરના કોલવડા ગામેથી આ સુજલામ-સુફલામ જળ અભિયાનના પાંચમા તબક્કાનો પ્રારંભ કરાવીને રાજ્યમાં જળસંગ્રહ સ્ત્રોત વધારવા અને જમીનમાં પાણીના સ્તર ઊંચા લાવવાનો મહત્વપૂર્ણ સફળ અભિગમ અપનાવ્યો છે. આ વર્ષે સતત પાંચમા વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાનની જ્વલંત સફળતાને પગલે જળસંગ્રહ ક્ષમતામાં ૨૪,૪૧૮ લાખ ઘન ફૂટ વધારો થયો છે. અગાઉના ચાર વર્ષ એટલે કે ૨૦૧૮, ૨૦૧૯, ૨૦૨૦ અને ૨૦૨૧ના સુજલામ સુફલામ જળ અભિયાન કરતા પણ આ વર્ષે જળસંગ્રહ ક્ષમતા સૌથી વધારે છે

આ અભિયાન અંતર્ગત ૨૦૧૮માં ૧૮,૫૧૫ કામો પૈકી ૭,૫૫૨ તળાવ ઉંડા કરી જળ સંગ્રહશક્તિમાં ૧૩,૫૦૦ લાખ ઘન ફૂટ વધારો કરવામાં આવ્યો હતો. ૨૦૧૯માં ૧૧,૯૦૧ કામો પૈકી ૪,૭૨૭ તળાવ ઉંડા કરી પાણીની સંગ્રહશક્તિમાં ૧૦,૦૫૩ લાખ ઘન ફૂટ વધારો કરવામાં આવ્યો હતો. કોરોના કાળમાં ૨૦૨૦માં લોક ડાઉનની કપરી પરિસ્થિતિમાં ૧૧,૦૭૨ કામો પૈકી ૪,૩૦૯ તળાવ ઉંડા કરી જળ સંગ્રહશક્તિમાં ૧૮,૫૧૧ લાખ ઘન ફૂટ વધારો કરવામાં આવ્યો હતો અને  વર્ષ ૨૦૨૧માં ૨૦,૭૪૯ કામો પૈકી ૪૬૦૭ તળાવ ઉંડા કરી જળ સંગ્રહશક્તિમાં ૧૯,૭૧૭ લાખ ઘન ફૂટ વધારો કરવામાં આવ્યો હતો. છેલ્લા પાંચ વર્ષમાં કુલ ૮૬,૧૯૯ લાખ ઘન ફૂટ જળસંગ્રહ ક્ષમતા વધી છે.

રાજ્યમાં કુદરતી પાણીના સ્તર ઉંચા આવે તેમજ પાણીનો જળસંચય વધુને વધુ થાય તેનો લાભ નાગરિકો અને લાખો ખેડૂતોને થાય એ આશયથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણાથી હાથ ધરાયેલ રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાનને વ્યાપક જન પ્રતિસાદ સાંપડ્યો છે. શ્રમિકોને રોજી-રોટી અને આર્થિક આધાર મેળવવા માટે કોઇપણ પ્રકારની મુશ્કેલીઓ ન પડે તે માટે વધુમાં વધુ શ્રમિકો સુજલામ સુફલામ જળ અભિયાન અને મનરેગા યોજનાના કામોમાં જોડાય તે માટેપ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. ગ્રામીણ શ્રમિકો ગરીબ પરિવારોને રોજગારી મળી રહે તે માટે રાજ્યમાં નાની નદી, ચેકડેમ, તળાવ ઊંડા કરવાના સુજલામ સુફલામ જળ અભિયાનના કામો તેમજ મનરેગાના કામો શરૂ કરીને સમગ્ર અભિયાનમાં ૨૦.૮૧ લાખ માનવદિન રોજગારી નિર્માણ થયું છે. જેમાં એક દિવસમાં જ અંદાજિત ૧.૨૩ લાખ લોકોને રોજગારી આપવામાં આવી છે. આ અભિયાન હેઠળ આ વર્ષે રાજ્યભરમાં ૫૫૭૯ તળાવો ઊંડા કરવામાં આવ્યા, ૪૦૭૦ ચેકડેમોનું ડી-સીલ્ટીંગ, ૩૮૦૯ કિ.મી.લંબાઇમાં નહેરોની અને કાંસની સફાઇ કરવામાં આવી. આ વર્ષે કચ્છ જિલ્લામાં સૌથી વધુ ૧૬૭૩ કામ થયા અને ઓછો વરસાદ ધરાવતા આ જિલ્લાની જળ સંગ્રહશક્તિમાં ૬૧૨૪ લાખ ઘન ફુટનો વધારો થયો છે તે પણ આ અભિયાનની એક આગવી સિદ્ધિ છે.

રાજ્ય સરકારના મહત્વાકાંક્ષી અભિયાનને લોકોનો  પણ ખૂબ જ સહયોગ મળ્યો છે. જનભાગીદારી દ્વારા હાથ ધરાયેલ આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ જળ સંચયનો વ્યાપ વધારવો, ભૂગર્ભ જળસ્તર ઉંચા લાવવા, સિંચાઇ વ્યવસ્થા વધુ સુદ્રઢ કરવી, ખેત ઉત્પાદનમાં વધારો કરવો, પાણીનો બગાડ ઘટાડવો તથા પર્યાવરણમાં સુધારો લાવવાનો રહ્યો છે એમાં પણ સૌ લોકોએ સહયોગ આપ્યો છે જેના પરિણામે આ અપ્રતિમ સફળતા મળી છે. વર્ષ ૨૦૧૮થી શરૂ થયેલા આ જળ અભિયાનમાં છેલ્લાં પાંચ વર્ષમાં રાજ્યભરમાં ૨૬,૯૮૧ તળાવો ઊંડા કરાયા છે. એ જ રીતે ૧૬,૨૯૧ ચેકડેમોનું ડી-સીલ્ટીંગ કરાયું અને ૪,૫૦૮ચેકડેમનું રિપેરિંગ કરવામાં આવ્યાં છે, આના પરિણામે જળસંગ્રહ ક્ષમતામાં કુલ ૮૬,૧૯૯ લાખ ઘનફૂટનો વધારો થયો છે. આ અભિયાનના પાંચ વર્ષ દરમ્યાન એટલે કે ૨૦૧૮, ૨૦૧૯, ૨૦૨૦ ૨૦૨૧ અને ૨૦૨૨માં મનરેગા યોજના હેઠળ જનભાગીદારીથી તમામ જિલ્લાઓમાં ૭૪,૫૧૦ કામો પૂર્ણ કરી દેવાયા છે. ૫૨૨૬૩ કિ.મી.લંબાઇમાં નહેરોની અને કાંસની સફાઇ કરવામાં આવી છે. જેના પરિણામે રાજ્યભરમાં ૧૭૭.૭૪ લાખ માનવદિન રોજગારી ઉત્પન્ન થઇ છે. આ તમામ કામગીરી  એક  દિવસમાં મહત્તમ ૮૫૧ જેટલા એક્ષકેવેટર, ૭૫૦ ટ્રેક્ટર-ડમ્પરો દ્વારા  હાથ ધરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના તમામ જિલ્લાઓમાં આ અભિયાન હેઠળ મુખ્યત્વે તળાવો ઉંડા કરવા, અનુશ્રવણ તળાવ, ચેકડેમ ડીસીલ્ટીંગ, જળાશય ડિસીલ્ટીંગ, ચેકડેમ રીપેરીંગ, નહેરોની તથા સ્ટ્રક્ચરની સાફસફાઈ, નહેરોની મરામત અને જાળવણી, નવા તળાવ, નવા ચેકડેમ, વન તળાવ, ખેતતલાવડી, રેઇન વોટર હાર્વેસ્ટીંગ, નદી, વોંકળા, કાંસ તથા તળાવની સાફસફાઇ, માટીપાળા, ગેબીયન, કન્ટુરટ્રેન્ચ, ચેકવોલ, ફાર્મ બંડીંગ, નદીઓ પુન:જીવિત કરવાની કામગીરી, પીવાના પાણીના સ્ત્રોતની આજુ બાજુની સફાઇ, ટાંકી/ સંપ/ ઇન્ટેક સ્ટ્રક્ચર તથા આસપાસની સાફસફાઇ, WTP, STP  તથા આસપાસની સફાઇ, એચ.આર. ગેટ રીપેરીંગ, તળાવોના પાળા અને વેસ્ટ વિયરનું મજબૂતીકરણ, વરસાદી પાણીની લાઇનની સફાઇ, ગટરની સાફસફાઇ જેવા કામો હાથ ધરાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુજલામ સુફલામ જળ અભિયાનના આ પાંચમા તબક્કાની સફળતા માટે પરિશ્રમ રત રહેલા સૌ કર્મીઓને અભિનંદન પાઠવ્યા છે.

આ પણ વાંચો : ખાનગી પેટ્રોલ પંપ આ શરતનું પાલન નહીં કરે તો લાઇસન્સ રદ થશે : ઈંઘણ માટેના નવા નિયમો જાણો