Notice/ જંત્રી રિવાઈઝ નહી થવા મુદ્દે સુપ્રીમ કોર્ટની રાજ્ય સરકારને નોટિસ

– રાજ્યમાં વર્ષ 2011થી જંત્રી રિવાઈઝ નથી થઈ – બજારભાવ 400 થી 1400 ગણા વધ્યા પણ જંત્રી ન વધી – વધુ સુનાવણી છ અઠવાડિયા બાદ @સોનલ અનડકટ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ રાજ્યમાં જમીન-મકાનોની ખરીદી સમયે ચુકવાતી જંત્રીમાં છેલ્લા 10 વર્ષથી કોઈ જ વધારો નહી કરાયો હોવા મુદ્દે સુરતના અરજદારે સુપ્રિમ કોર્ટમાં અરજી કરતા સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય નાણા […]

Gujarat Others
supreme જંત્રી રિવાઈઝ નહી થવા મુદ્દે સુપ્રીમ કોર્ટની રાજ્ય સરકારને નોટિસ
  •  રાજ્યમાં વર્ષ 2011થી જંત્રી રિવાઈઝ નથી થઈ
  • – બજારભાવ 400 થી 1400 ગણા વધ્યા પણ જંત્રી ન વધી
  • – વધુ સુનાવણી છ અઠવાડિયા બાદ

@સોનલ અનડકટ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ

રાજ્યમાં જમીન-મકાનોની ખરીદી સમયે ચુકવાતી જંત્રીમાં છેલ્લા 10 વર્ષથી કોઈ જ વધારો નહી કરાયો હોવા મુદ્દે સુરતના અરજદારે સુપ્રિમ કોર્ટમાં અરજી કરતા સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય નાણા મંત્રાલય, રાજ્ય સરકાર, સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ, સુરત કલેક્ટર, મહેસુલ વિભાગ અને શહેરી વિકાસ વિભાગને નોટિસ ફટકારી છે, કોર્ટે વધુ સુનાવણી છ અઠવાડીયા બાદ મુકરર કરી છે.

આ કેસની વિગત એવી છે કે સુરતના ખેડૂત ભીખુભાઈ જગુભાઈ પટેલે જંત્રી રિવાઈઝ કરવા મુદ્દે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરી હતી પણ હાઈકોર્ટે આ અરજી જેન્યુઈન નહી હોવાનું કહીને ફગાવી હતી. હાઈકોર્ટ બાદ ભીખુભાઈએ સુપ્રિમ કોર્ટમાં અરજી કરતા સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકાર સહિતનાને નોટિસ ફટકારી છે. અરજદારે અરજીમાં જણાવ્યુ છે કે જંત્રીનો ઉપયોગ માત્ર સ્ટેમ્પ ડ્યુટી માટે જ નથી થતો પણ અલગ અલગ 20 કાયદામાં તેનો ઉપયોગ થાય છે. વર્ષ 2011થી ગુજરાત સરકારે જંત્રીને રિવાઈઝ કરી જ નથી જેના પગલે એક સમાંતર અર્થતંત્ર ઊભુ થઈ રહ્યુ છે અને સરકાર તેનું બજેટ બેલેન્સ કરવા માટે અન્ય જીવનજરુરી ચીજાે સહિતની વસ્તુઓ પર ટેક્સ વધારી રહી છે. જંત્રી ઓછી હોવાના કારણે ખેડૂતોને દસ્તાવેજ નીચો બને છે અને ઉપરના બે નંબરના નાણાં લેવા પડે છે. પરિણામે ભ્રષ્ટાચાર અને સામાજિક દુષણોને બળ મળે છે. ભ્રષ્ટાચારીઓ અને બે નંબરની આવક ધરાવનારાઓ તેમના કાળા નાણાનું રોકાણ જમીનમાં કરે છે અને એ રીતે જમીનના બજારભાવ સતત વધતા રહ્યા છે, પણ તેની સામે જંત્રીમાં કોઈ જ વધારો કરાયો નથી. હાલ જમીનના બજારભાવ છેલ્લા કેટલાક વર્ષમાં 400થી 1400 ગણા વધ્યા છે. જેની સામે જંત્રીનો દર 4.9 ટકા છે અને સ્ટેમ્પ ડ્યુટી (રજિસ્ટ્રેશન ફી) એક ટકા છે.

અરજદારે એડવોકેટ કુમારેશ ત્રિવેદી મારફત સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. અરજદારની રજૂઆતને ધ્યાને લઈ સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યુ હતુ કે જંત્રી રિવાઈઝ નહી થવાની સમસ્યા માત્ર ગુજરાત જ નહી પણ દેશભરમાં પ્રવર્તી રહી છે. જેના પગલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારને નોટિસ ફટકારી વધુ સુનાવણી છ અઠવાડીયા બાદ મુકરર કરી છે.

જંત્રીનો ઉપયોગ ક્યા થાય છે ?
– જંત્રીનો ઉપયોગ સ્ટેમ્પ ડ્યુટી માટે થાય
– એ સિવાય 20 કાયદામાં જંત્રી લાગુ થાય છે
– નવી શરતની જમીનને જૂની શરતમાં ફેરવવા
– બેન્કમાં મિલકત મોર્ગેજ વખતે
– ટી.પી. સ્કીમમાં જમીન મુલ્યાંકનમાં
– અશાંતધારામાં મિલકતની કિંમત કરવા
– ગણોતધારામાં
– જમીન સંપાદન કાયદામાં
– ઈન્કમટેક્ની કલમ 50 માં કેપિટલ ગેઈન ગણવામાં
– ખેતીની જમીન બિનખેતની કરવા માટે

વર્ષ 2011ની તુલનાએ જંત્રી સામે હાલના બજારભાવ (સુરતના)
– અભવા  વિસ્તારમાં રુ. 1750 થી 4800 પ્રતિ સ્કવેર મિટર જંત્રી છે. જેની સામે આ વિસ્તારમાં બજારભાવ રુ. 15,000 થી 30,000 છે.
– ડભોલીમાં જંત્રી રુ. 5250 થી 9750 પ્રતિ સ્કવેર મિટર છે. જ્યારે બજારભાવ રુ. 40,000 થી 60,000 છે.
– જહાંગીરપુરામાં જંત્રી રુ. 5750 થી 12250 છે. જ્યારે બજારભાવ રુ. 30,000 થી 50,000 છે.
– ભીમરાડમાં જંત્રી રુ. 6500 થી 11500 પ્રતિ સ્કવેર મિટર છે. જ્યારે બજારભાવ રુ.25,000 થી 40,000 છે.