સુરત
વલસાડ બાદ NIAનો રેલો સુરત સુધી આવ્યો છે. સુરત આવેલી NIAની ટીમ તપાસ કરી તુરંત રવાના થઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર સુરતના અડાજણ પાટિયા પાસે આવેલા એક એપાર્ટમેન્ટમાં NIAની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. 6 કલાક સુધી NIAની ટીમ દ્વારા એપાર્ટમેન્ટના ફ્લેટમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
બાદમાં ટીમ પરત ફરી હતી. માહિતી છે કે, સુરતમાંથી ફલાઈ – ઇન્સાનિયત ફાઉન્ડેશન સાથે સંકળાયેલા નદીમ પાનવાલાના ઘરે આ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. જ્યાંથી નાણાંકિય અંગેના કેટલાક વાંધાજનક દસ્તાવેજો પણ મળી આવ્યા હોવાનું આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળે છે.
મામલો ખૂબ જ ગંભીર હોવાથી NIA દ્વારા આખું ઓપરેશન ખાનગી રાહે પૂરું પાડવામાં આવ્યું હતું. NIAની ટીમે કુલ ત્રણ જગ્યા પર ગુજરાત પોલીસને સાથે રાખી દરોડા પાડ્યા હતા. આતંકીઓને ફન્ડિંગ પૂરું પાડવામાં આવતું હોવાનું NIAની તપાસમાં બહાર આવ્યું હોવાની જાણકારી સૂત્રો દ્વારા મળી છે. જો કે આગામી દિવસોમાં NIAની ટીમ મોટો ઘટસ્ફોટ કરે તેવી શક્યતા દેખાઇ રહી છે.