લીંબડી તાલુકાના પાંદરી ગામના તલાટી પંચાયતનો હિસાબ, વીસીઈની નિમણૂંક, નવા સરપંચની સહી બેંકમાં બદલાવી સહિતના કામો કરવાને બદલે પોતાની મનમાની ચલાવતા હોવાની આરોપ સરપંચ સહિત ચૂંટાયેલી નવી બોડીના સદસ્યોએ લગાવ્યો છે. ગ્રામ પંચાયતના સરપંચ સહિત સદસ્યોએ ડે.કલેક્ટરને આવેદન આપી તલાટીની મનમાની સામે ઘટતુ કરવા રજૂઆત કરી હતી.
લીંબડી તાલુકાના પાંદરી ગામના સરપંચ બી.એમ.ચાવડા, ઉપસરપંચ રંજનબેન પટેલ સહિત ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સદસ્યો તાલુકા સેવા સદન ખાતે ધસી આવ્યા હતા. કલેક્ટરની ગેરહાજરીમાં સિરસ્તેદાર એમ.બી.દવેને પાંદરી ગામના તલાટી જયદીપભાઈ વાણિયાને કામ કરવાની પદ્ધતિને લઈ ફરિયાદ કરી હતી.
આવેદનપત્રમાં જણાવ્યું હતું કે તલાટી જયદીપ વાણિયા નવી ચૂંટાયેલી બોડીને પંચાયતનો હિસાબ દેખાડતા નથી. વીસીઈની નિમણૂંક કરવા અને બેંક ખાતામાં સરપંચની સહી બદલવા બાબતે 3 માસ થવા છતાં કોઈ કાર્યવાહી કરતાં નથી. તલાટીને સહી બાબતે પંચાયતના સભ્યો કહે તેઓ દ્વારા કહેવામાં આવે છે કે તમારે હિસાબ, કિતાબ, નાણાંકીય કામમાં કોઈ વહિવટ કરવાનો નથી. હું જયાં કહું ત્યાં સહિ કરી નાંખવાની છે.
તલાટી પાંદરી ગામમાં અઠવાડિયે કે પંદર દિવસે ગ્રામ પંચાયતમાં આવે છે અને તે પણ 15થી 20 મિનિટ રોકાઈને જતાં રહે છે. ગેરવર્તન કરે છે સાથે જ ધમકી આપે છે કે તમારે જયાં જઈ ફરિયાદ કરવી હોય ત્યાં કરો મારું કોઈ કશું બગાડી શકે તેમ નથી. તલાટીની મનમાની સામે ઘટતુ કરવા રજૂઆત કરી હતી.
આ અંગે પાંદરી ગામના તલાટી કમ મંત્રી જયદીપ વાણિયાએ જણાવ્યું હતું કે મારાં મેરેજ થયા એટલે 20 દિવસથી હું રજા ઉપર છું. ત્યાં શું બન્યું, સરપંચ અને સભ્યોએ મારા સામે શું કામ ફરિયાદ કરી તે હું સમજી શક્તો નથી. હું રજા ઉપરથી પરત ફરીશ એટલે પાંદરી ગામના સરપંચ, ઉપસરપંચ, સભ્યોના જે કાંઈ પ્રશ્નો છે તેનું નિવારણ લાવી આપીશ.