આસામમાં બ્રહ્મપુત્રા નદીમાં ભયાનક બોટ દુર્ઘટના થઇ છે, જ્યાં મુસાફરોથી ભરેલી બે બોટ એકબીજા સાથે ટકરાઈ હતી. આ ઘટના જોરહાટ જિલ્લાના નીમતીઘાટમાં થઇ છે. જોરહાટના એડિશનલ ડીસી દામોદર બર્મને જણાવ્યું કે દુર્ઘટના સમયે બંને બોટમાં લગભગ 50 લોકો સવાર હતા, જેમાંથી 40 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. બાકી લોકોની શોધ ચાલુ છે. એક બોટ માજુલીથી નિમાતી ઘાટ તરફ જઈ રહી હતી, જ્યારે બીજી બોટ વિરુદ્ધ દિશામાં જઈ રહી હતી. મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ અકસ્માતની પુષ્ટિ કરી છે.
બોટ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કરતા મુખ્યમંત્રી શર્માએ માજુલી અને જોરહાટ જિલ્લા વહીવટીતંત્રને NDRF અને SDRF ની મદદથી બચાવ કામગીરી હાથ ધરવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે મંત્રી બિમલ બોરાને પરિસ્થિતિનો તાગ મેળવવા માટે વહેલી તકે માજુલી પહોંચવાની પણ તાકિદ કરી છે. ઉપરાંત શર્માએ તેમના મુખ્ય સચિવ સમીર સિન્હાને પણ ઘટનાક્રમ પર સતત વોચ રાખવાની સૂચના પણ આપી છે. મુખ્યપણ મંત્રી ગુરુવારે માજુલીની મુલાકાત લેશે. દરમિયાન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સીએમ શર્મા સાથે વાત કરી છે અને જરૂરી પગલાં લેવાની સૂચના આપી છે.