જમ્મુ-કાશ્મીરમાં આર્ટીકલ 370 નાબુદ થયા બાદ સેના દ્વારા આંતકીઓના સફાઈ અભિયાન હેઠળ તેઓનો ખાત્મો બોલાવાઈ રહ્યો છે, ત્યારે બીજી બાજુ સેનાની આ જવાબી કાર્યવાહી પછી પણ આતંકીઓના નિશાના પર કાશ્મીર પંડિતો આવી રહ્યા છે.
આ અરસામાં કાશ્મીરમાં જે નામમાત્ર પંડિતો રહી ગયા છે તેઓ પણ આતંકીઓના ટાર્ગેટ પર છે, ત્યારે હવે આવા જ એક કાશ્મીરી પંડિત અને ભાજપના નેતા રાકેશ પંડિતની ત્રાલમાં આતંકીઓએ હત્યા કરી નાખી છે. હત્યાની આ ઘટના બાદ હવે પંડિત સમુદાયમાં ભયની સાથે ગમગીની અને આક્રોશનો માહોલ વ્યાપી ગયો છે.
મળતી માહિતી મુજબ, કાશ્મીરના ત્રલમાં ભાજપના નેતા રાકેશ પંડિત પોતાના મિત્ર મુસ્તાક બટના ઘરે ગયા હતા, ત્યારે જ ત્રણ આતંકીઓએ નજીકથી તેમના પર ગોળીઓ ચલાવી હતી, જેમાં તેઓનું મોત થયું છે.
જો કે પોલીસે જણાવ્યું હતું કે, ભાજપના નેતા અને ત્રાલ નગર પાલિકાના અધ્યક્ષ એવા રાકેશ પંડિતને સુરક્ષા આપવામાં આવી હતી અને શ્રીનગરમાં એક સુરક્ષિત હોટલમાં રહેવાની સુરક્ષા આપવામાં આવી હતી, પરંતુ તેઓ સિક્યુરિટી ગાર્ડ વગર જ મિત્રને મળવા ગયા હતા અને આતંકવાદી હુમલાના શિકાર થયા હતા.
જમ્મુ-કાશ્મીરના બીજેપી પ્રમુખ રવિન્દ્ર રૈનાએ આ હુમલાની નિંદા કરી છે. તેમણે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, રાકેશ પંડિતાની શહાદતને અમે વ્યર્થ નહીં જવા દઈએ. કાશ્મીરમાં આતંકવાદીઓએ ખતમ કરવામાં આવશે. રૈનાએ તેને માનવતા અને કાશ્મીરિયતની હત્યા ગણાવી છે.