@ નિકુંજ પટેલ
Vadodara News: વડોદરા જીલ્લાના સાવલી તાલુકામાં લાંછનપુર ગામ પાસેથી પસાર થતી મહિસાગર નદીમાં નહાવા માટે ગયેલા બે મિત્રો ડૂબી જતા લાપત્તા થઈ ગયા હતા. બાદમાં ફાયર બ્રિગેડ, સ્થાનિક લોકો અને NDRFની ટીમોએ 48 કલાકની જહેમત બાદ એક યુવકનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. બે પૈકી એક યુવકના લગ્ન એક મહિના પહેલા જ થયા હતા. હાલમાં લાપત્તા યુવકની શોધ ચાલી રહી છે.
આ બનાવની વિગત મુજબ વડોદરાના વીઆઈપી રોડ પર સંતોષીનગરમાં રહેતો 27 વર્ષીય અવધેશ કુશ્વાહા અને ત્યાં જ રહેતો ધર્મેશ આર,વાઘેલા 7 માર્ચના રોજ સવારે અંદાજે 11 વાગ્યે ઘરેથી બાઈક પર નીકળ્યા હતા. બાદમાં બન્ને મિત્રો લાંછનપુર ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં નહાવા માટે ગયા હતા. તેમણે નદી સુંધી પહોંચે તે પહેલા ચાલુ બાઈકે મોબાઈલમાં વિડીયો પણ ઉતાર્યો હતો.
બન્ને જણા નદી કિનારે કપડા અને મોબાઈલ મુકીને નદીમાં નહાવા પડ્યા હતા. જોકે ધસમસતા પાણીના પ્રવાહમાં બન્ને મિત્રો તણાઈ જતા લાપતા થઈ ગયા હતા. પોલીસના જણાવ્યા મુજબ નદીમાં લાપતા થયેલા યુવકોને શોધવા એનડીઆરએફ, ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓએ શોધ હાથ ધરી હતી.
જેમાં નદીના આસપાસના ધરામાંથી આજે સવારે દિપક કુશ્વાહાનો મૃતદેહ મળી આવ્યો હતો.
પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને તેના પરિવારને સોંપવામાં આવ્યો હતો. દિપક તેના પરિવારનો એકનો એક દિકરો હતો. એક મહિના પહેલા 4 ફેબ્રુઆરીના રોજ તેના લગ્ન થયા હતા. હજી પત્નીના હાથની મહેંદી પણ ઉતરી નથી ત્યાં પતિના મોતને પગલે પત્નીના હૈયાફાટ રૂદને અહીંનુ વાતાવરણ ગમગીન થઈ ગયું હતું. એકના એક દિકરાના મોતને પગલે પરિવાર પણ ભાંગી પડ્યો હતો.
બીજી તરફ હજી લાપત્તા ધર્મેશ વાઘેલાનો પતો લાગ્યો નથી. અલગ અલગ ટીમો તેની શોધ ચલાવી રહી છે.
આ પણ વાંચોઃ લક્ષ્ય દબાસને મોસ્ટ ઈમ્પેક્ટફુલ એગ્રી ક્રિએટર એવોર્ડ, રાજ્યપાલ દેવવ્રતને મળવાની ઈચ્છા વ્યક્ત કરી
આ પણ વાંચોઃ ખાલિસ્તાની નિજ્જરની હત્યા કેવી રીતે થઈ, વીડિયો સામે આવ્યો
આ પણ વાંચોઃ દારૂ પીવડાવી બહેનો ઉપર ગેંગરેપ ગુજારી વીડિયો ઉતાર્યો, પરિવારના ત્રણ જણાએ જીવન ટૂંકાવ્યા