રાજકોટ GIDC નાં એક્ઝીક્યુટીવ એન્જિનિયર હિતેન્દ્ર પરમાર પાસેથી 1 કરોડ 3 હજાર 939 રૂપિયાની અપ્રમાણસરની મિલકત મળી આવતા ACB એ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. રાજકોટ GIDCના એક્ઝીક્યુટીવ એન્જિનિયર અને હાલ અધિક્ષક ઈજનેર વર્ગ-1ના અધિકારી વિરૂદ્ધ ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગ ગાંધીનગર પાસેથી તપાસ કરવા અંગે મંજૂરી મળી હતી.
પ્રાથમિક તપાસમાં હિતેન્દ્ર પરમાર અને તેમના પરિવારના સભ્યોની મિલકત સંબંધી બેંક ખાતાઓ અને વિવિધ સરકારી કચેરીઓમાંથી દસ્તાવેજી પુરાવાઓ મળી આવ્યા હતા. જેમાં કાયદેસરની આવક 3 કરોડ 59 લાખ 90 હજાર 77 રૂપિયા છે અને તેમનો ખર્ચ અને રોકાણ 4 કરોડ 59 લાખ 94 હજાર 16 રૂપિયા તપાસમાં જાણવા મળ્યો છે. જેમાં 1 કરોડ 3 હજાર 939 રૂપિયાની અપ્રમાણસરની મિલકતો વસાવ્યાનું જાણવા મળતા હિતેન્દ્ર પરમાર વિરૂદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988ની કલમ 13(બી) તથા 13 (2) મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.