પાટડી તાલુકાના સેડલા ગામે રહેતી સગીરાની એક શખ્સે છેડતી કરી હતી. આ બનાવમાં પોકસો હેઠળ ફરીયાદ નોંધાયા બાદ આરોપીએ સગીરાના પરીવારજનનું અપહરણ કરી જઈ માર મારી રૂપીયા 10 લાખની ખંડણી માંગી હોવાની ફરીયાદ બજાણા પોલીસ મથકે નોંધાઈ હતી. આ કેસમાં આરોપીઓની અટક થાય અને ગામમાં સગીરાના પરીવારજનોનું રહેવુ મુશ્કેલ થઈ ગયુ હોય પરીવારજનો હીજરત કરી કલેકટર કચેરી દોડી આવ્યા હતા. ન્યાય ન મળે ત્યાં સુધી કલેકટર કચેરીમાં જ ઉપવાસ પર બેસવાની ચીમકી પરીવારજનોએ આપી હતી.
પાટડી તાલુકાના સેડલા ગામે રહેતા પરીવારને ત્યાં ભાવનગરની સગીરા આવી હતી. મામાના ઘરે આવેલી આ સગીરાની ગામના શરીફખાન જમીયતખાન મલેકે છેડતી કરી હતી. આ અંગેની ફરીયાદ બજાણા પોલીસ મથકે પોકસોની કલમ હેઠળ નોંધાઈ હતી. ત્યારે બે દિવસ આ ફરીયાદની દાઝ રાખી શરીફખાનના ભાઈ સાજીદખાને સગીરાના પરીવારજન શાંતીલાલ હમીરભાઈ સોલંકીનું અપહરણ કર્યુ હતુ. શાંતીલાલને બાઈક પર જબરદસ્તીથી બેસાડી દઈ સીમમાં આવેલ ખેતરની અવાવરૂ ઓરડીમાં લઈ જઈ માર મારી તારા લીધે જેલમાં જવુ પડયુ તેમ કહી સમાધાન કરવા રૂપીયા 10 લાખની ખંડણી માંગી હતી.
આ બનાવની બજાણા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી. ત્યારબાદ આરોપીઓ અવારનવાર શાંતીલાલ તથા આસપાસના તેમના 20 થી પરીવારોને મારી નાંખવાની ધમકી આપી રંજાડ કરી રહ્યા છે. ગામના જમીયતખાન કાળુખાન મલેક અને શાહરૂખખાન જમીયતખાન મલેક દ્વારા સમાધાનની રકમ ન આપે તો મારી નાંખવાની ધમકી આપવામાં આવે છે આ ઉપરાંત ધંધુકામાં જેમ કીશન ભરવાડની હત્યા થઈ તેમ હત્યા કરવાની ધમકી આપવામાં આવી રહી છે. આથી મંગળવારે બપોરના સમયે ધીરૂભાઈ હમીરભાઈ સોલંકી, શાંતીલાલ હમીરભાઈ સોલંકી સહીતના પરીવારજનો સ્ત્રીઓ અને બાળકો સાથે કલેકટર કચેરીએ દોડી આવ્યા હતા.
કલેકટર અને જિલ્લા પોલીસ વડાને લેખીત રજુઆત કરતા આ પરીવારજનોએ જણાવ્યુ કે, અપહરણ, ધમકી અને ખંડણી માંગવાના બનાવની પોલીસ ફરીયાદ નોંધાયા બાદ આરોપીઓની હજુ સુધી ધરપકડ થઈ નથી. આરોપીઓ શારીરીક, માનસીક ત્રાસ આપતા હોવાથી અમોને હીજરત કરવાની ફરજ પડે તેમ છે. આથી જયાં સુધી તેમની ધરપકડ ન થાય અને અમોને ન્યાય ન મળે ત્યાં સુધી કલેકટર કચેરીમાં જ ઉપવાસ આંદોલન પર બેસવાની ચીમકી પરીવારજનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.