મંગળવારે ઘટેલા કોરોના વાયરસનાં દૈનિક કેસોમાં બુધવારે ફરી એકવાર વધારો જોવા મળ્યો છે. કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે બુધવારે કોરોના વાયરસથી સંબંધિત ડેટા જાહેર કર્યો હતો જેમાં જણાવ્યું છે કે, દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન સંક્રમણનાં 23,950 નવા કેસ નોંધાયા છે, જ્યારે 333 લોકોનાં મોત નીપજ્યાં છે.
આ નવા દર્દીઓ પછી, કોરોના વાયરસનાં કુલ કેસો વધીને 1,00,99,066 પર પહોંચી ગયા છે. જો કે, જેમ જેમ કોરોના સંક્રમણ વધતુ જાય છે, તેમ તેમ દર્દીઓની રિકવરીની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય અનુસાર, દેશનાં જુદા જુદા રાજ્યોમાં કોરોના વાયરસનાં 96,63,382 દર્દીઓ અત્યાર સુધી ઠીક થયા છે, ત્યારબાદ 2,89,240 સક્રિય કેસ છે. દેશમાં દર્દીઓનો રિકવરી દર પણ 95 ટકાથી વધી ગયો છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે સરેરાશ, છેલ્લા 7 અઠવાડિયામાં કોરોના વાયરસનાં દૈનિક કેસોમાં ઘટાડો થયો છે, જે રાહતની વાત છે. લગભગ સાડા પાંચ મહિના પછી, કોરોના વાયરસનાં સક્રિય કેસોમાં 3 લાખનો ઘટાડો થયો છે.
આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, હાલમાં જે રાજ્યોમાં કોરોના વાયરસનાં વધુ કેસો જોવા મળી રહ્યા છે તે મધ્યપ્રદેશ, તમિળનાડુ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને કેરળ છે. વળી દેશમાં કોરોના વાયરસનું ટેસ્ટિંગ મોટા પ્રમાણમાં ચાલી રહ્યું છે. આ વિશે માહિતી આપતા, ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઈસીએમઆર) એ જણાવ્યું હતું કે, કોરોના વાયરસનાં અત્યાર સુધીમાં કુલ 16,42,68,721 સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યુ છે, જેમાંથી છેલ્લા 24 કલાકમાં 10,98,164 સેમ્પલોનું ટેસ્ટિંગ થયુ છે. આપને જણાવી દઇએ કે, દેશમાં કોરોના વાયરસ રસીને લઈને પણ ભારે તૈયારી ચાલી રહી છે. આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા અનુસાર, કોરોના વાયરસની રસીનો પ્રથમ તબક્કો જાન્યુઆરીમાં શરૂ થઈ શકે છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…